
ઓસ્ટ્રિયન સ્પેસ ફોરમ દ્વારા આયોજિત સિમ્યુલેશનમાં ‘આકા સ્પેસ’ ભારતનું કરશે પ્રતિનિધિત્વ
ભુજઃ ભારત આ મહિનાના અંતમાં વિશ્વના સૌથી મોટા મૂન-માર્સ એનાલોગ સિમ્યુલેશનમાં પ્રથમ વાર જોડાશે. ઓસ્ટ્રિયન સ્પેસ ફોરમ દ્વારા સંકલિત આ આંતરરાષ્ટ્રીય મિશનમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે અમદાવાદ સ્થિત આકા સ્પેસની પસંદગી કરવામાં આવી હતી. આ બે અઠવાડિયાનું સિમ્યુલેશન 13થી 26 ઓક્ટોબર દરમિયાન યોજાશે.
આકા સ્પેસ ભારતની પ્રથમ સ્પેસ આર્કિટેક્ચર અને એનાલોગ કંપની તેમ જ ઇસરો રજિસ્ટર્ડ સ્પેસ ટ્યુટર છે. તેની પસંદગી ઇન્ટરનેશનલ એનાલોગ ટેક્નોલોજી રેડીનેસ લેવલ્સ માળખા હેઠળ એક વર્ષ લાંબા તેમ જ અનેક તબક્કાના મૂલ્યાંકન પછી કરવામાં આવી હતી.
મિશનનો ભારતીય તબક્કો પશ્ચિમ કચ્છમાં યોજાશે. જુરાસિક-યુગના ઝુરણ સેન્ડસ્ટોન રચના નજીક આવેલા લાયારી નદી વિસ્તારમાં આ તબક્કો યોજાશે. આ સ્થળ પર હેમેટાઇટ ધરાવતા ગોળાકાર કોન્ક્રિશન જોવા મળે છે, જે નાસા (National Aeronautics and Space Administration)ના ઓપોર્ચ્યુનિટી રોવર દ્વારા મંગળ પર શોધાયેલ ‘બ્લુબેરીઝ’ જેવા જ છે.
આકા સ્પેસ સાથે આઈઆઈટી-મદ્રાસ, આઈઆઈટી-હૈદરાબાદ, નિરમા યુનિવર્સિટી, ઇસરોની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, કચ્છ યુનિવર્સિટી, બીએસઆઈ લખનઊ અને ઉટી તથા સાલેમની સરકારી કોલેજો જેવા શૈક્ષણિક ભાગીદારો પણ જોડાશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આકા સ્પેસે આ મિશન માટે એક નવી, સંપૂર્ણ સોલાર-પાવર્ડ એનાલોગ ફેસિલિટી બનાવી છે.
આ સુવિધામાં ઓક્સિજન અને કાર્બન ડાયોકસાઇડ સ્ક્રબિંગ સિસ્ટમ્સ, લાઇફ-સપોર્ટ સેન્સર, હાર્ડવેર અને સોફ્ટવેર જેવી ઇન-હાઉસ ડિઝાઇન કરેલી સિસ્ટમ્સ છે. આ સેટઅપમાં કોમ્પેક્ટ મિશન કંટ્રોલ સેન્ટર અને એડવાન્સ્ડ લાઇફ સપોર્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે, જે લાંબા ગાળાના અવકાશ નિવાસનું ઉચ્ચ-વિશ્વાસપાત્ર સિમ્યુલેશન સક્ષમ કરે છે.
આ સિમ્યુલેશનમાં એક મોટો માઇલસ્ટોન ઉમેરતા ભારતની પ્રથમ ઓલ-વિમેન એનાલોગ ક્રૂ ભાગ લેશે, જેનું નેતૃત્વ વિંગ કમાન્ડર (નિવૃત્ત) જયા તારે કરશે. ગગનયાન અવકાશયાત્રી-નિયુક્ત, ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર પણ આમાં જોડાશે તેવી અપેક્ષા છે.
ટીમમાં એક તાલીમ પામેલ એનાલોગ અવકાશયાત્રી પણ સામેલ છે અને તેઓ વિવિધ પ્રયોગો કરશે. જેમાં એશિયાની પ્રથમ 3D-પ્રિન્ટેડ માર્સ રેગોલિથ રેડિયેશન શીલ્ડ બનાવવાથી લઈને રોવર-આધારિત સેમ્પલ કલેક્શન, મંગળ-વિશિષ્ટ ઊર્જા સંગ્રહ બેટરી ડિઝાઇન કરવી અને ચોક્કસ વાતાવરણમાં ટાર્ડિગ્રેડના અસ્તિત્વનો અભ્યાસ કરવાનો સમાવેશ થાય છે.
આ મિશન એનાલોગ ટેકનોલોજીમાં ભારતની વધતી કુશળતા દર્શાવે છે. જે ભવિષ્યના ચંદ્ર અને મંગળ વસાહતોનો આધાર બનશે. આ પહેલ ગુજરાતના અનન્ય ભૌગોલિક સ્થળોને વૈશ્વિક સંશોધન નકશા પર મૂકશે. જેનાથી આવનારા વર્ષોમાં ગ્રહોની શોધખોળ તાલીમ, જિઓટૂરિઝમ અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટે સંભવિત કેન્દ્રો તરીકે સ્થાન મળશે.
નોંધનીય છે કે, ગયા વર્ષે નવેમ્બરમાં આકા સ્પેસે લેહમાં ભારતનું પ્રથમ એનાલોગ અવકાશ મિશન હાથ ધર્યું હતું. આ મિશનનું નેતૃત્વ ઈસરોના હ્યુમન સ્પેસફ્લાઈટ સેન્ટર દ્વારા કરવામાં આવ્યું હતું, જે એએકેએ સ્પેસ સ્ટુડિયો, લદ્દાખ યુનિવર્સિટી આઈઆઈટી બોમ્બેની ભાગીદારીમાં વિકસાવ્યું હતું.