બુદ્ધિના દેવ ગણાતા બાપ્પાની સુંદર મૂર્તિ બનાવી આ ખાસ બાળકોએઃ તમે પણ જુઓ...
કચ્છ

બુદ્ધિના દેવ ગણાતા બાપ્પાની સુંદર મૂર્તિ બનાવી આ ખાસ બાળકોએઃ તમે પણ જુઓ…

ભુજઃ ગણપતિને બુદ્ધિના દેવ પણ કહેવાય છે, પરંતુ તેમના ઘણા એવા ભક્તો છે જે દુનિયા માટે મંદબુદ્ધિ છે. જોકે બાપ્પા માટે તો સૌ સરખા છે અને આ મંદબુદ્ધિના લોકોને પણ દુંદાળા દેવ એટલા જ પ્રિય છે. આવા જ અમુક બાળકોએ ગણેશનીજી મૂર્તિ બનાવી છે જે જોઈને બાપ્પા પણ ખુશ થઈ જશે.

ચિત્રોડથી રાપર તરફ જતા રસ્તે નીલપર માર્ગ પર આવેલા મંદબુદ્ધિના બાળકો માટેના એક આશ્રમના ૭૦ જેટલા બાળકો જયારે-જયારે ગણેશ મહોત્સવ આવે છે ત્યારે તેના બે મહિના અગાઉ જ ખુશખુશાલ થઇ જાય છે, કારણ કે આ બાળકોને એક એવું કામ સોંપવામાં આવે છે જે કામ પૂર્ણ કરવા માટે તેઓ વર્ષભર ઇંતેજારી કરતા રહે છે.

ભુજમાં લોકો આ મૂર્તિઓ ખરીદે છે
ગ્રામ્ય સેવા સંગઠન દ્વારા ચલાવાતા આ મંદબુદ્ધિ બાળકો માટેના આશ્રમમાં ગણપતિ બાપાની ‘ઇકો ફ્રેન્ડલી’ મૂર્તિઓ બનાવવાની કામગીરી તેમને સોંપાય છે, આ ઉપરાંત માટીના કલાત્મક કામથી શણગારાયેલા વોલ ક્લોક પણ તેઓ બનાવે છે અને આ બાળકો તેમના અંતરના ઊંડાણમાં જઈને એવી મૂર્તિઓ બનાવે છે કે આ મૂર્તિઓ કચ્છના શહેરોમાં લોકો ઉત્સાહભેર ખરીદે છે.

ભુજમાં જ્યુબિલી ગ્રાઉન્ડથી સંતોષી માતાના મંદિર તરફ જતા રસ્તે એક કલાત્મક હાટડી બનાવાઈ છે અને તેમાં આ વિશેષ બાળકો દ્વારા બનાવાયેલી જુદી-જુદી સજાવટ વાળી ગણપતિ બાપાની કલાત્મક મૂર્તિઓ ગોઠવાઈ છે.

અહીં હાજર અશોકભાઈ શાહના જણાવ્યા પ્રમાણે તેઓને છેક રાપરથી ભુજ આવીને ગણેશોત્સવ દરમ્યાન ભુજમાં આ મૂર્તિઓના વેંચાણની જવાબદારી સોંપવામાં આવી છે. તેમના જણાવ્યા પ્રમાણે આ આશ્રમમાં છેલ્લા પાંચ વર્ષોથી આ ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે અને તમામ વર્ગના લોકો તરફથી આ મૂર્તિઓને ખરીદવામાં સહકાર મળી રહ્યો છે.

‘અમે બાળકોને માત્ર વાઘા એટલે કે ગણપતિ બાપાને પહેરાવવાના થતા વસ્ત્રો રેશમના કાપડમાંથી બનાવીને આપીએ છીએ. બાકીનું તમામ કાર્ય આ બાળકો ઉમંગભેર પૂરું કરે છે’. મૂર્તિના મુગટ, સૂંઢ, કાન, દાંત, આંખો અને આઇબ્રો સુધ્ધાંની સજાવટ આ બાળકો કરી આપે છે અને તેમાં તેઓને એકથી બે દિવસનો સમય લાગે છે.

આ મૂર્તિઓ માત્ર નાળિયેરના છોતરામાંથી બનાવાય છે અને તેમાં રંગ વગરના કાચા દોરાનો ઉપયોગ કરાય છે. આ આશ્રમમાં ૭૦ જેટલાં બાળકો જેમાં અઢાર જેટલી કન્યાઓ પણ છે, તેવો આ કાર્ય હોંશે હોંશે પૂર્ણ કરે છે.

એટલું જ નહીં, પણ ૯૦ વર્ષીય બે વૃદ્ધ મહિલાઓ બાળકોની આ પ્રવૃત્તિ પર દેખરેખ રાખે છે અને મૂર્તિઓ બન્યા બાદ તેને રાપર અને ભુજની બજારમાં, કોઈ સ્વૈચ્છિક સંસ્થાની સહાયથી વેંચાણ માટે ગોઠવવામાં આવે છે તેમ અશોકભાઈએ જણાવ્યું હતું.

આ પણ વાંચો…ગણપતિ બાપ્પા મોરયા કેમ બોલાય છે? જાણો ‘મોરયા’ શબ્દનો અર્થ અને રસપ્રદ ઇતિહાસ…

મૂળ ખેરાળુના શૈલેષ ભાઈ સી.કોઠારીએ આ પ્રવૃત્તિ માટે પ્રેરણા આપી છે અને તેઓ પોતાનો પૂર્ણ સહયોગ આ પ્રવૃત્તિને આપી રહ્યા છે. જો કે કચ્છના ઉદ્યોગગૃહો દ્વારા ગણેશ બાપાની મૂર્તિઓને આંતરિક સુશોભન માટે ખરીદવાનું જો કોઈ સૂચવે તો આ પ્રવૃતિમાંથી ઉભી થનારી આવક આ આશ્રમમાં આશ્રય લઇ રહેલા બાળકો માટે ઉપયોગી થઇ શકે.

છેલ્લા પાંચ વર્ષથી આ પ્રવૃત્તિ ચાલતી હોવા છતાં કોઈ ઉદ્યોગગૃહનું ધ્યાન આ તરફ ગયું ન હોવાનો વસવસો અશોક શાહ અને ભુજના સ્ટોલ પર ફરજ પર મુકાયેલા રાપરના વિપુલ ઠક્કરે વ્યક્ત કર્યો હતો.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button