ગાંધીધામમાં દબાણ હટાવવાની મેગા ડ્રાઈવ, 70થી વધુ દબાણો હટાવાયા…

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ કચ્છના ઔદ્યોગિક પાટનગર ગાંધીધામ સંકુલમાં મહાનગર પાલિકા દ્વારા છેડવામાં આવેલી મેગા ડિમોલિશન ડ્રાઈવ ફરી આગળ વધી છે અને રાજવી ફાટકથી ભવાનીનગર રેલવે ફાટક સુધીના વિસ્તારમાં પેયજળની લાઈન ઉપર ખડકી દેવામાં આવેલાં દબાણોને હટાવી લેવામાં આવ્યાં હતા.
આ દબાણોને લઈને પાણીની ક્ષતિગ્રસ્ત લાઈનોના સમારકામ માટે મુશ્કેલીઓ ઊભી થઈ રહી હતી. પાણીના વેડફાટના કારણે માર્ગનું ધોવાણ થતાં મહાનગરપાલિકાના વહીવટી તંત્રએ નોટિસ મર્યાદા પૂર્ણ થયે ૭૦ જેટલા અતિક્રમણોને દૂર કર્યા હતા.
આ અંગે મનપાની દબાણ શાખાના ઇન્સ્પેકટર ગાયત્રી પ્રસાદ જોશીએ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરુવાણીની સૂચના બાદ કાફલો ચાર ટ્રેક્ટર અને ત્રણ જેસીબી સાથે રાજવી ફાટકથી ભવાની નગર ફાટક સુધી ફેલાયેલાં દબાણ સ્થળ પર પહોંચ્યો હતો અને ૭૦ જેટલાં દબાણોને શાંતિપૂર્વક માહોલમાં હટાવી લેવામાં આવ્યાં હતાં.
તેમણે ઉમેર્યું હતું કે, વર્ષોથી અતિક્રમણોના ભાર તળે દબાયેલો ૮૦ ફૂટનો માર્ગ ખુલ્લો થયો છે. વહીવટી તંત્ર દ્વારા પાણીની લાઈનમાં રહેલા લીકેજો દૂર કરીને ક્ષતિગ્રસ્ત થયેલા અત્યંત વ્યસ્ત માર્ગની ત્વરિત મરામત કરવામાં આવશે. ભૂતકાળમાં અહીં દબાણ હટાવવાની કાર્યવાહી નિષ્ફળ રહી હતી, ત્યાર પછી મહાનગરપાલિકા દ્વારા નોટિસો આપીને દબાણો દૂર કરવામાં આવ્યાં હોવાનું ગાયત્રીબેન જોશીએ ઉમેર્યું હતું



