કમોસમી વરસાદની આગાહી વચ્ચે 'સેકન્ડ સમર'નો કાળો કેર: કચ્છમાં 38 ડિગ્રી તાપમાન, અનુભૂતિ 42 ડિગ્રી!
કચ્છ

કમોસમી વરસાદની આગાહી વચ્ચે ‘સેકન્ડ સમર’નો કાળો કેર: કચ્છમાં 38 ડિગ્રી તાપમાન, અનુભૂતિ 42 ડિગ્રી!

ભુજ: પૂર્વ-મધ્યમ અરબ સાગરમાં સક્રિય થયેલા ડિપ્રેશનની અસર હેઠળ ગુજરાતમાં આગામી ત્રણથી ચાર દિવસ દરમ્યાન મોસમ વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યારે સેકન્ડ સમર તરીકે ઓળખાતા ઓક્ટોબર મહિનાની ગરમીએ કચ્છ પર કાળો કહેર વર્તાવવો જારી રાખ્યો છે.

ભુજ ખાતે આજે મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી સેલ્સિયસ રહેવા પામ્યું હતું અને અન્ય મથકોએ પણ મહત્તમ તાપમાન ૩૬થી ૩૮ ડિગ્રીની વચ્ચે રહેવા પામ્યું છે પણ ગરમીની અનુભૂતિ ૪૨ ડિગ્રી જેટલી થતી હોવાનું હવામાનના વિવિધ મોડેલો પરથી જાણવા મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર મહિનાની ગરમી આ વખતે કાળો કેર વર્તાવી રહી છે. આ આકરી ગરમીની અસર લોકોના આરોગ્ય પર પડી રહી છે. કચ્છ-સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ખાનગી અને સરકારી દવાખાનાઓમાં મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને શ્વાસ લેવામાં તકલીફ જેવાં લક્ષણોથી પીડાતા દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે અને આ પરિસ્થિતિ નવરાત્રીના પ્રારંભથી જ શરૂ થઇ ચુકી હોવાનું તબીબો જણાવી રહ્યા છે. વધતાં જતાં વૈશ્વિક તાપમાન અને હવામાનની પેટર્ન્સમાં આવી રહેલા બદલાવને લઈને ઓક્ટોબર મહિનાની ગરમી એક ગંભીર પ્રકારનું હેલ્થ-રિસ્ક બનવા પામી છે.

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું જયારે વિદાય લે છે ત્યારે અસામાન્ય રીતે તાપમાન ઊંચું જવા લાગે છે અને તેમાં ભેજનું વધતું પ્રમાણ લોકોને શ્વાસ લેવા માટે વલખાં મારતા કરી મૂકે છે. ‘ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ’ દ્વારા એવી ચેતવણી અપાઈ છે કે આ ગરમી હજુ વધતી જ રહેશે અને તેનો સમયગાળો પણ લંબાશે અને તે માનવ શરીરની સહન શક્તિને પણ પાર કરી જશે.

આ પ્રકારના બદલતા જતા મોસમમાં ઉષ્ણતામાન અને ભેજમાં થતો વધારો અને સૂકા પવનો ઉપરાંત મંદ પડી જતા પવનોને કારણે ગૂંગળામણ અનુભવાય છે જે આરોગ્ય માટે અત્યંત જોખમી છે. આવું વાતાવરણ રોગ પ્રતિકારક શક્તિ ખોરવી નાખે છે અને કેટલાક વાઇરલ અને બેક્ટેરિયલ ચેપ વાળા જુદા-જુદા પ્રકારના તાવ ખાસ કરીને બાળકો અને વયસ્કોને ખાટલાવશ કરી મૂકે છે. ઊંચું તાપમાન અને વાયુપ્રદૂષણને કારણે હવાને પ્રદુષિત કરતા પોલ્યુટન્ટ્સને કારણે એક ‘ટોક્સિક કોકટેલ’ ઉભું થાય છે જે શ્વસનતંત્ર પર ગંભીર અસરો કરે છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button