કચ્છ

ગાંધીધામના પડાણા લાગેલી આગમાં કરોડોના નુકસાનની ભીતિ, ભુજમાં પણ વિકરાળ આગ…

ભુજ: ગુજરાતમાં ઠેર ઠેર આગની ઘટના બનતી રહે છે. ગઈકાલે જ ડીસામાં બનેલી આગની ઘટનામાં 21 શ્રમિક જીવતા ભૂંજાયા હતા. આવી જ વિકરાળ આગ કચ્છના ગાંધીધામ અને ભુજમાં પણ લાગી હતી, પરંતુ સદનસીબે જાનહાનિ થઈ નથી.

પડાણામાં લાકડાના બેન્સામાં લાગી આગ
બે દિવસ અગાઉ પૂર્વ કચ્છના ગાંધીધામ તાલુકાના પડાણા પાસે પેટ્રોલ પમ્પને અડકીને આવેલા લાકડાંના બેન્સામાં લાગેલી વિકરાળ આગથી અંદાજિત ૩૦ કરોડનું નુકસાન પહોંચ્યું હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે. પડાણા નજીક આવેલા લાકડાંના બેન્સામાં સોમવારના બપોરે અચાનક આગ ભભૂકી ઉઠતાં જુદા-જુદા અગ્નિશમન દળોના ફાયર ફાઈટરોએ લાખો લિટર પાણીનો મારો ચલાવ્યો હતો. નજીકમાં આવેલા પેટ્રોલપંપ સુધી આગ ન પ્રસરે તે માટે અન્ડરગ્રાઉન્ડ ટાંકાઓને ઠંડા રાખવા કવાયત હાથ ધરાઈ હતી.

આ ભયાવહ આગથી કસ્ટમ બોન્ડેડ વેરહાઉસમાં રાખેલા જુદી-જુદી પેઢીઓના લાકડાં પણ સળગીને રાખ થઇ ગયાં હતાં. જીએસટી ભર્યા વગરના તથા કસ્ટમે પકડેલા લાકડાં અહીં રખાયાં હોવાનું બહાર આવ્યું હતું. એક માલવાહક જહાજમાં હોય તેટલાં અંદાજિત ૩૦ કરોડના લાકડાં આ અગજનીમાં સળગીને રાખ થઇ ગયાં હોવાનો અંદાજ વ્યકત કરાઈ રહ્યો છે. બપોરે લાગેલી આગ મોડી રાત્રે માંડ કાબૂમાં આવી હોવા છતાં સુરક્ષાના કારણોસર દીનદયાળ પોર્ટ ઓથોરિટી હસ્તકના ત્રણ અગ્નિશામક વાહનોએ પાણીનો મારો ચલાવ્યો હતો. આગના આ બનાવ અંગે એ-ડિવિઝન પોલીસ મથકે કોઈ નોંધ ન થઈ હોવાનું પોલીસ પ્રશાશન પાસેથી જાણવા મળી રહ્યું છે.

ભુજની મેડિકલ એજન્સીમાં આગે પકડ્યું વિકરાળ સ્વરૂપ
ગરમીનો આંક ઊંચે આવતાં લગભગ દરરોજ આગજનીના બનાવો સામે આવી રહ્યા છે તેવામાં ભુજ શહેરના લોકોની અવર જવરથી સતત ધમધમતા રહેતા હોસ્પિટલ રોડ પર આવેલી કલ્પતરુ નામની બહુમાળી ઇમારતમાં સ્થિત દવાની હોલસેલ એજન્સીના ગોદામમાં વિકરાળ આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

કલ્પતરુ ઇમારતમાં આશાપુરા એજન્સી ધરાવતા દીપક રૂપારેલના ગોદામમાં ગત મંગળવારે રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં ભયાનક આગ લાગી હતી. ફાયર બ્રિગેડને જાણ કરાતાં તાત્કાલિક ટીમ પહોંચી હતી અને ચોમેર પાણીનો મારો ચલાવ્યો હતો, જે પછી ત્રણેક કલાક બાદ આગ કાબૂમાં આવી હતી. આ ઘટનામાં મેડિકલને લગતો સામાન બળવા સહિતની નુકસાની થઈ હતી. જો કે,જ્વાળાઓ પૂર્ણપણે શાંત થયે કેટલું નુકસાન થયું તે બહાર આવશે.

આગ લાગતા તકેદારીના ભાગ રૂપે વીજળીનો પુરવઠો બંધ કરવા સહિતનાં પગલાં લેવાયાં હતાં. આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ હાઈ વોલ્ટેજના કારણે શોટસર્કિટ થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે અનુમાન વ્યક્ત કરાયું હતું, સદ્ભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. બનાવના પગલે લોકોનાં ટોળેટોળાં એકત્ર થયાં હતાં.

દરમિયાન,બનાવ સ્થળની મુલાકાત લેતાં દુકાનધારક સહિત પાસેથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ, પ્રારંભે આગનજ્વાળાઓ દેખાતાં તાત્કાલિક અગ્નિશમન દળને જાણ કરાઈ હતી અને જોતજોતાંમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બનાવના પગલે આસપાસના લોકોમાં અફરાતફરી મચી હતી. અગ્નિશમન દળના ત્રણ વાહનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, તો પોલીસની ટુકડી પણ આવી પહોંચી હતી. આ એક રહેણાક વિસ્તાર હોવાથી અને સ્ટ્રીટ ફૂડની સેંકડો લારીઓ આવેલી હોઈ, રહેવાસીઓમાં ચિંતા વ્યાપી હતી.

આ પણ વાંચો : કચ્છમાં આગઃ ભચાઉ-ગાંધીધામ હાઈ-વે પરના લાકડાના ગોડાઉનમાં આગ બની બેકાબૂ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button