માંડવીમાં કરુણ ઘટના: રસોઈ અને ચા બનાવવા જેવી સામાન્ય તકરારે મા-દીકરીનો ભોગ લીધો

(અમારા પ્રતિનિધિ તરફથી)
માંડવીઃ અત્યારના ડિજિટલ યુગમાં પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરનારા લોકોમાં સહન શક્તિનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે જેની સાબિતીરૂપ ઘટના કચ્છના માંડવી તાલુકાના મદનપુરા ખાતે બનવા પામી હતી. જેમાં રસોઈ અને ચા બનાવવાના સામાન્ય મુદ્દે યુવાન વયના પતિ-પત્ની વચ્ચે થયેલી બોલાચાલી બાદ ઉશ્કેરાઈ ગયેલી ૧૯ વર્ષીય પત્ની કૈલાસ સંદીપ નાયરે ઝેરી દવા ગટગટાવી, તેની નવ માસની માસુમ પુત્રી સુહાનીને પણ ઝેરી દવા પીવડાવી દીધી હતી. જેમાં માં-દીકરીના કરુણ મોત થતાં કચ્છમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
આ કરુણાંતિકા અંગે કોડાય પોલીસ મથકે મૂળ સરગઈ (તાલુકો બોડેલી, જિલ્લો છોટા ઉદયપુર)ના અને હાલે મદનપુરા રહેતા સંદીપ શાંતિલાલ નાયરે જાહેર કરેલી વિગતો મુજબ, રસોઈ અને ચા બનાવવાના મુદ્દે તેની પત્ની કૈલાસબેન સાથે તેની બોલાચાલી થઈ હતી. જેમાં પત્નીને મનમાં લાગી આવતાં તેણે જાતે આવેશમાં આવીને ખેતીમાં છાંટવાની જંતુનાશક ઝેરી દવા પી લીધી હતી અને ત્યારબાદ આ દવા તેમની નવ માસની દીકરી સુહાનીને પણ પીવડાવી દેતાં બંનેનાં મૃત્યુ થયાં હતાં.
કોડાય પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તજવીજ આદરી છે.
આપણ વાંચો: ભુજની જી.કે.જનરલ હોસ્પિટલની સિવિલ સર્જન કચેરીની જંગમ મિલકત કેમ થઈ જપ્ત ?



