આ છે દેશનો સૌથી મોટો જિલ્લો, એક સમયે અપાયો હતો સ્વતંત્ર રાજ્યનો દરજ્જો… તમને ખબર છે નામ?
ભારત એ વિવિધતામાં એકતાવાળો દેશ છે અને અહીંનું વૈવિધ્ય એટલું અનુઠું છે કે જેને નિહાળવા માટે દેશ જ નહીં પણ વિદેશથી પણ પર્યટકો અહીં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે ભારતના 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશમાં સૌથી મોટો જિલ્લો ક્યાં આવેલો છે અને કયો છે? એટલું જ નહીં પણ આ મોટા જિલ્લાના નામે ક્યારેક રાજ્યનું નામ પણ બોલાતું હતું, નહીં ને? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
તમને જાણીને નવાઈ લાગશે કે ભારતનો સૌથી મોટો જિલ્લો કચ્છમાં આવેલો છે અને તે દેશના ગુજરાત રાજ્યમાં આવેલું છે. ગુજરાતમાં આવેલા આ દેશના સૌથી મોટા જિલ્લાનું ક્ષેત્રફળ 45,674 સ્કવેર કિલોમીટર છે. આ ક્ષેત્રફળ રાજ્યની 23.7 ટકાને આવરી લે છે. ઈન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે કચ્છનો અડધા ઉપરાંત વિસ્તારમાં તો રણ પ્રદેશ આવેલો છે જેને જોવા માટે દેશ વિદેશથી પર્યટકો આવે છે અને અહીં રણોત્સવનું ભવ્ય આયોજન પણ કરવામાં આવે છે, જેમાં ભાગ લેવા માટે વિદેશી પર્યટકો પણ મોટી સંખ્યામાં આવે છે.
આ પણ વાંચો: 26મી જાન્યુઆરીના કચ્છમાં વિશેષ ઉજવણી; કચ્છની સીમાના કાર્યક્રમમાં 300 જેટલા યુવાન ભાગ લેશે
અત્રે ઉલ્લેખનીય છે કે એક સમય એવો પણ હતો કે જ્યારે ભારતમાં કચ્છ નામનું એક અલગ રાજ્ય હતું. જી હા, આ હકીકત છે હાલમાં ભલે તે ગુજરાત રાજ્યના એક જિલ્લા તરીકે ઓળખાય છે, પણ હંમેશાથી એવું નહોતું. 1950 સુધી કચ્છ એ દેશનું એક સ્વતંત્ર રાજ્ય હતું અને પહેલી નવેમ્બર, 1956માં કચ્છને મુંબઈ સાથે જોડી દેવામાં આવ્યું હતું. એ વખતે ત્યાં મરાઠી ભાષી અને ગુજરાતી ભાષાઓ બોલનારા લોકો વસતાં હતા. અહીં મારવાડી લોકોની સંખ્યા પણ વિશાળ હતી. ત્યાર બાદ 1960માં ભાષાના આધારે મુંબઈ રાજ્યનું વિભાજન કરવામાં આવ્યું અને બે નવા રાજ્યો બનાવવામાં આવ્યા નામે મહારાષ્ટ્ર અને ગુજરાત અને ક્ચ્છને ગુજરાતનો જિલ્લો બનાવવામાં આવ્યો હતો.
અહીંયા તમારી જાણ માટે ગુજરાતનો આ મોટો જિલ્લાએ સમય સમય પર કુદરતી આપદાઓની માર પણ ઝીલી છે. જેમાં દુકાળ સહિત આજથી 24 વર્ષ પહેલાં આખા કચ્છને હચમચાવી મુકનાર વિનાશકારી ભૂકંપનો પણ સમાવેશ થાય છે. 26મી જાન્યુઆરી, 2001ના ભૂકંપે ગુજરાતના આ મોટા જિલ્લામાં તબાહીનું તાંડવ ખેલ્યું હતું અને એને કારણે રાજ્યને પારાવાર નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો.