કચ્છ

કચ્છ પર મેઘરાજા ઓળઘોળ: સર્વત્ર વાવણીલાયક વરસાદથી કચ્છીઓ ખુશ

માંડવીનો વિજયસાગર અને વેગડી ડેમ, અબડાસાનો કંકાવટી અને બેરાચીયા ડેમ ઓવરફ્લો

ભુજ: બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના પગલે બારેમેઘ ખાંગા જેવી ધીંગી અષાઢી મહેર રાજ્યભરમાં થઇ રહી છે ત્યારે અત્યાર સુધી સાર્વત્રિક મેઘકૃપાથી વંચિત રહેલું કચ્છ માત્ર એકજ દિવસમાં ત્રણથી છ ઇંચ જેટલા ભારે વરસાદમાં ધમરોળાતાં સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને લોકો હવે ઉઘાડ નીકળવાની પ્રતિક્ષા કરી રહ્યા છે.

આગામી સાતમ-આઠમના મહાપર્વની ઉજવણી મેઘરાજા જાણે કચ્છમાં કરવાના હોય તેમ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં ગત રવિવારના રાતના આઠ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી અવિરતપણે વરસેલા વરસાદે છ ઇંચ જેટલું પાણી વરસાવી દેતાં સર્વત્ર જળભરાવની પરિસ્થિતિ ઉભી થઈ છે. શહેરની ઓળખસમાં હમીરસર તળાવમાં પણ જોશભેર નવા નીરની આવક થતાં ભુજવાસીઓમાં આનંદ ફેલાયો છે.

આ પણ વાંચો: મેઘરાજાના આગમનથી કચ્છની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, શ્રાવણી મેળાઓની રંગત જામશે…

ગોરંભાયેલા માહોલ વચ્ચે આકાશમાંથી અવિરત પાણી વરસી રહ્યું હોઈ માર્ગો પર પણ ચહલ પહલમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ નવા વરસાદી રાઉન્ડમાં અવિરતપણે વરસેલા વરસાદથી આ સૂકા રણપ્રદેશની જીવાદોરી સમાન મોટાભાગના ડેમ-તળાવોમાં નોંધપાત્ર નવા નીરની આવક થઇ છે. બંદરીય માંડવીનો વિજયસાગર ડેમ, વેગડી ડેમ,અબડાસાનો કંકાવટી અને બેરાચીયા ડેમ ઓવરફ્લો થયા છે. આ ઉપરાંત પાવરપટ્ટીના ગ્રામ્ય પંથકો માટે મહત્વનો એવો ઝુરાનો કાયલા ડેમ પણ ઓગની જવા પામ્યો છે.

કચ્છમાં ડેમ ભરાતા ખુશાલી

ભાતીગળ બન્ની-પચ્છમ,પ્રાંથળ અને ખડીર,રાપર ઉપરાંત લખપત તાલુકામાં વીતેલા ૨૪ કલાક દરમ્યાન અનરાધાર ત્રણથી ચાર ઇંચ જેટલી મહેર થઇ છે તેમજ ભાતીગળ બન્ની પંથકમાં ભારે વરસાદથી અનેક વાંઢોમાં જળભરાવની સ્થિતિ ઉભી થતાં માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

કેટલાક મધ્યમ સિંચાઇના ડેમમાં પાણીની આવક વધતાં નજીકના ગામોને એલર્ટ પર મુકવામાં આવ્યા છે.
આ ઉપરાંત કાળાડુંગર અને તેની આસપાસના વિસ્તારોમાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. પ્રાંથળના બેલા, મૌવાણા,ધબડા,શીવગઢ,લોદ્રાણી, શીરાનીવાંઢ,બાલાસર સહિતના ગામોમાં રાત્રી દરમ્યાન બેથી થી સાડા ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું છે. ખડીરના રતનપર, જનાણ, અમરાપર, કલ્યાણપર, ધોળાવીરા, ખારોડા સહિતના ગામોમાં વરુણદેવે વાવણી લાયક વરસાદ વરસાવી દેતાં આ પંથકને ન્યાલ કરી દીધો છે. પુરાતન શહેર ધોળાવીરામાં પણ બે ઇંચ જેટલો વરસાદ પડતાં અહીંની હડપ્પન કાળની વસાહતોમાં પાણી ભરાઈ ગયા છે.

આ પણ વાંચો: ખુશખબર! કચ્છમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા, હમીરસર તળાવમાં નવા નીર!

બંદરીય શહેર માંડવી તેમજ ઔદ્યોગીક હબ મુંદરા વિસ્તારમાં પણ સતત મેઘકૃપા વરસી રહી છે. ગત મોડી સાંજથી મેઘરાજા ધીમીધારે હેત વરસાવી રહ્યા હોઈ આ પંથકમાં બેથી ચાર ઈંચ જેટલો વરસાદ નોધાઈ ચુકયો છે. કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ તેમજ અંજારમાં પણ રાત્રીથી શરૂ થયેલો ઝાપટાઓનો દોર આજે સવારે પણ જોવા મળ્યો છે.સમયાંતરે હળવાથી મધ્યમ ઝાપટાં રૂપે મેઘરાજાએ હાજરી પુરાવાનું જારી રાખતા માર્ગો પર ખાડાઓમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.
વાગડ પંથકના ભચાઉ શહેર અને તાલુકામાં રાત્રી દરમ્યાન ઝરમરીયા રૂપે મેઘરાજાએ હાજરી પુરાવી હતી. જો કે આજ સવારથી ભારે ઝાપટાંઓ વરસવાના શરૂ થતાં દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.

ક્યા કેટલો વરસાદ નોંધાયો

દરમ્યાન, ભુજમાં આ વર્ષે અત્યારસુધીમાં ૩૦૦ મિ.મિ જેટલો વરસાદ નોંધાયો છે જયારે સૌથી વધારે નખત્રાણા પંથકમાં ૩૫૪ મિ.મિ મેઘ વરસ્યો છે. ગાંધીધામમાં ૩૩૩ મિ.મિ, અન્ય તાલુકાઓ લખપતમાં ૧૭૬ મિ.મિ, રાપરમાં ૨૩૦, ભચાઉમાં ૧૮૭, અંજારમાં ૧૭૭ મિ.મિ, માંડવીમાં ૩૩૨, અબડાસામાં ૧૩૫ અને બંદરીય મુંદરામાં ૩૧૯ મિ.મિ વરસાદ વરસ્યો છે.
હજુ પણ માહોલ ગોરંભાયેલો હોઈ, હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી ચાર દિવસ માટે અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button