શેખપીર-સુખપર બાયપાસ સ્ટેટ હાઈવેને સૈદ્ધાંતિક મંજૂરીઃ જાણો કોને કેટલો ફાયદો

ભુજઃ પશ્ચિમ કચ્છમાં સિમેન્ટ, નમક અને સોલાર પ્રકલ્પો અસ્તિત્વમાં આવતા શહેરી વિસ્તારોમાંથી ભારે વાહનોની સતત વધી રહેલી અવરજવરના કારણે જીવલેણ અકસ્માતોનું પ્રમાણ તેમજ ટ્રાફિક જામની સમસ્યા અનેક ઘણી વધી ગઈ છે.
ભુજનો બાયપાસ અને નાગોર રેલવે ઓવરબ્રિજ બે વિકલ્પ એવા છે કે શહેરને ભારે વાહનોમાંથી મુક્તિ અપાવે. આ બંનેમાંથી નાગોર રેલવે ઓવર બ્રિજ શરૂ થઈ જતા ખાવડા તરફ જતા ૮૦ ટકા ભારે વાહનો ડાયવર્ટ થઈ ગયા છે.
જ્યારે નખત્રાણા, માંડવી, માતાના મઢ, લખપત તરફ જતા વાહનોને ભુજ શહેરમાં પ્રવેશવા પ્રતિબંધ ફરમાવો પડે તેવી ઉભી થયેલી પરિસ્થિતિ અંગે ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો તેમજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા શક્યતાઓ તપાસીને એસ્ટીમેટ અને મેપ તૈયાર કર્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ બાયપાસ બનાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દેતાં ભુજને ભારે વાહનોની અવરજવરથી કાયમ માટે મુક્તિ મળશે તેવું કેશુભાઈ પટેલે જણાવ્યું હતું.
આ પણ વાંચો: કેન્દ્રીય સંરક્ષણ પ્રધાનની કચ્છ મુલાકાત ટાંકણે કંડલા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી
કોને થશે ફાયદો?
ઉદ્યોગ, પ્રવાસન, વ્યાપાર અને બંદરોના પરિવહનને કારણે સતત ટ્રાફિકથી ધમધમતા કચ્છના વિવિધ સ્ટેટ હાઈવેને નેશનલ હાઈમાં રૂપાંતરણ અને વિસ્તરણ કરવામાં આવી રહ્યાં છે. ભુજ તાલુકાના સુખપરથી શેખપીર વચ્ચે નજીકના ભવિષ્યમાં પૂર્વ અને પશ્ચિમ કચ્છને જોડતો મહત્વનો બાયપાસ બની રહેશે. ભુજના ધારાસભ્ય કેશુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, માધાપર, મીરજાપર અને સુખપર આ ત્રણ ગામોને પણ રાહત મળે તે રીતે નવા માર્ગનું આયોજન થઈ રહ્યું છે. ટ્રાફિક સમસ્યા ન થાય અને બધા જ મોટા વાહનો બાયપાસ પરથી નીકળી જાય તે માટે ભુજોડીથી પહેલા જ માર્ગ બની શકે. ભુજ–ભચાઉ ફોર લેન, ભુજ-નખત્રાણા હાઈ સ્પીડ કોરિડોર પણ તૈયાર થઈ જશે એટલે પ્રવાસન અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મોટી રાહત થશે.
આ પણ વાંચો: કચ્છના કંડલા એરપોર્ટને આરડીએક્સ જેવા વિસ્ફોટકોથી ઉડાવી દેવાના ઈ-મેઈલથી દોડધામ
ભાડાએ તૈયાર કરેલા સૂચિત બાયપાસ અને તેની હદ બહારના વિસ્તારમાં બાયપાસ સુખપર-માંડવી ત્રિભેટેથી ભુજોડી ઓવર બ્રિજ પાસે બની શકે. જેમાં પાંચ કિલોમીટર ભાડાની હદની અંદર આવતો માંડવીથી મુંદરા રોડ સુધીનો બાયપાસ, શેખપીર તરફ ભૂજોડી ઓવરબ્રિજને જોડતો સંભવિત બાયપાસ માર્ગ મકાન વિભાગ, પંચાયત દ્વારા નવ કિલોમીટરનો બને તો જમીન સંપાદનથી કરી અને ડામરનો પોલીશ રોડનો ખર્ચ અંદાજે પ્રતિ કિલોમીટર ૭ કરોડ લેખવામાં આવે તો સો કરોડની આસપાસના ખર્ચે આ બાયપાસ તૈયાર થઈ શકે તેમ કેશુભાઈએ ઉમેર્યું હતું.