કચ્છટોપ ન્યૂઝ

ગાજવીજ સાથે વરસાદ વરસવાના વર્તારા વચ્ચે કચ્છીઓ અસહ્ય ગરમી-ઉકળાટથી ત્રસ્ત…

વાગડ પંથકમાં મેઘાવી માહોલ: ત્રણ ઇંચથી વધુ વરસાદ:

ભુજ: પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં મોસમ વિભાગ દ્વારા આપવામાં આવેલા વરસાદ વરસવાના વર્તારા વચ્ચે ભેજના ઊંચા પ્રમાણની સંગાથે મહત્તમ પારો ઊંચકાતાં કચ્છીઓ તાપ અને ઉકળાટથી આકુળવ્યાકુળ બન્યા છે.

પૂર્વ બાજુના અંજાર-ગાંધીધામ સંકુલમાં મહત્તમ તાપમાનનો આંક ૪૦.૬ ડિગ્રીએ પહોંચતાં અહીં તાપની આકરી આણ વર્તાઈ હતી. ૮૦ ટકાથી વધારે ભેજના કારણે શ્વાસ રૂંધાય તેવો બફારો અનુભવાયો હતો. જિલ્લા મથક ભુજમાં પણ પવનની ગતિ મંદ પડવા સાથે મહત્તમ તાપમાન ઊંચકાઈને ૪૦ ડિગ્રીએ પહોંચતાં તાપ અને ઉકળાટ અનુભવાયા હતા. અધૂરામાં પૂરું પ્રિ-મોન્સૂન કામગીરીના નામે સવારના સાત વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ હોતાં નાગરિકો જીવલેણ ગરમીમાં રીતસરના શેકાયા હતા.

હવામાન વિભાગે નૈઋત્યના ચોમાસાના ગુજરાતમાં પ્રવેશવા માટેના સંજોગો ઊજળા બન્યાનું જણાવી અત્યારે સર્જાયેલા મોન્સૂન ટ્રફની અસર તળે કચ્છમાં પણ વરસાદ વરસવાની આગાહી કરાઈ છે. સપ્તાહ દરમ્યાન તોફાની પવન અને ભારે ગાજવીજ સાથે વરસાદ વરસે અને અષાઢી બીજના શુકન સચવાશે તેવી શક્યતા હવામાન નિષ્ણાતોએ દેખાડી છે.

દરમ્યાન, કચ્છના સીમાવર્તી રાપર પંથકમાં શનિવારે રાત્રે મેઘરાજાએ પ્રવેશ કર્યો હતો અને બાલાસર,ખડીર,પ્રાંથળ,રામવાવ, આડેસર, સૂવઈ અને રાપર શહેરમાં માત્ર દોઢથી બે કલાકમાં ભારે ગાજવીજ સાથે ત્રણ ઇંચથી વધારે વરસાદ વરસાવી દેતાં વાગડવાસીઓએ હાલ પૂરતો ગરમીમાંથી છુટકારો મેળવ્યો છે.

અલબત્ત,રાપર શહેરમાં અચાનક વરસેલા ભારે વરસાદના પગલે અહીં જળભરાવની પરિસ્થિતિ ઉભી થતાં શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ખુશખુશાલ થયેલા ખેડૂતોએ ચોમાસું પાકની તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button