કચ્છમાં બેવડી ઋતુનો અનુભવ: દિવસ – રાતના તાપમાનમાં મોટો તફાવત

ભુજઃ અરબી સમુદ્રમાં આકાર પામેલા શક્તિ વાવાઝોડાંની અસર હેઠળ આસો માસમાં અષાઢી માહોલ છવાયા બાદ કચ્છમાં મહત્તમ તાપમાનનો પારો ત્રણથી પાંચ ડિગ્રી ઊંચક્યું છે. ઉત્તર ભારતની સાથે કચ્છમાં મિશ્ર વાતાવરણની અસર જોવા ળી રહી છે. વહેલી સવારે ૧૮થી ૨૩ ડિગ્રી સે.લઘુતમ તાપમાન સાથે અનુભવાતા ઠંડીના ચમકારા બાદ દિવસ ચઢતાની સાથે જ મહત્તમ તાપમાનનો આંક ૩૩થી ૩૫ ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચે ચઢી જતા ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે.
રાત્રિથી વહેલી સવાર દરમ્યાન પડી રહેલી ગુલાબી ઠંડી લોકોને પંખા ધીમા કરવા અને ગોદડી ઓઢવા મજબુર કરી રહી છે, જયારે સવારના દસ વાગ્યા બાદ મહત્તમ તાપમાનનો આંક ૩૩થી ૩૫ ડિગ્રી સે.પર પહોંચી જતાં વાતાવરણ હૂંફાળું બની જાય છે. ભુજમાં લઘુતમ ૨૫ અને મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી આસપાસ રહેતા ૯ ડિગ્રીનો તફાવત રહ્યો હતો જેથી વહેલી સવારે ઠંડકની અનુભૂતિ થવા પામી હતી. અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે પણ લઘુતમ ૨૪ ડિગ્રી જયારે મહત્તમ ૩૨ ડિગ્રી સે.સાથે દિવસ-રાતના તાપમાનમાં તફાવત રહેવાની સાથે અહીં પણ દિવસે ગરમી રાત્રે ગુલાબી ઠંડકનો તાલ સર્જાયો હતો.કંડલા બંદરમાં ૩૪ ડિગ્રી મહત્તમ તાપમાન રહેતાં આસપાસના ગાંધીધામ,અંજાર આદિપુરમાં આંશિક ગરમીની આણ યથાવત રહી હતી. સૂર્યાસ્ત બાદ કચ્છના મોટા ભાગના મથકોમાં લઘુતમ તાપમાનનો આંક ૨૪ ડિગ્રીની આસપાસ રહેતાં રાત્રે ટાઢક અનુભવાઈ રહી છે.
આ પણ વાંચો : એપ્રિલમાં જ અમદાવાદ ફેરવાયું અગન ભઠ્ઠીમાં, જાણો દરરોજનું સરેરાશ તાપમાન કેટલું નોંધાયું
શહેરની બજારોમાં અત્યારથી જ સ્વેટર,મફલર, વાંદરા ટોપી, હાથ મોજાં વેંચાતા શરૂ થઇ ચુક્યા છે.
દિવસ-રાતના તાપમાનમાં અનુભવાઈ રહેલો મોટો તફાવત ધીરે ધીરે ઓછો થતો જાશે અને જમ્મુ-કાશ્મીર, લેહ-લદાખ, કુલ્લુ મનાલી જેવા પહાડી વિસ્તારોમાં લા-નીના ઈફેક્ટને પગલે વ્હાઇટ ક્રિસમસ સમાન બરફ વર્ષની શરૂઆત ધીરે ધીરે થઇ ચુકી છે અને કડકડતી ઠંડીની શરૂઆત આગામી નવેમ્બર માસથી જ થઇ જશે તેવો હવામાન શાસ્ત્રીઓએ મત વ્યક્ત કર્યો છે. પશ્ચિમી વિક્ષોભ હજુ પણ ગુજરાત પાસે સક્રિય હોઈ, સમગ્ર રાજ્યમાં આગામી સપ્તાહ સુધી મિશ્ર વાતાવરણ રહેશે તેવો વર્તારો હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે.