કચ્છમાં 24 કલાકમાં ત્રણ જણનો ભોગ લેવાયોઃ નાગોરમાં બે સગી બહેનનાં મોત | મુંબઈ સમાચાર

કચ્છમાં 24 કલાકમાં ત્રણ જણનો ભોગ લેવાયોઃ નાગોરમાં બે સગી બહેનનાં મોત

ભુજ: સમગ્ર રાજ્ય સહિત કચ્છમાં છવાયેલા અષાઢી માહોલ વચ્ચે થઇ રહેલા વરસાદ અને હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી વચ્ચે ડેમમાં આવેલાં નવાં પાણીએ તેમજ ખાડામાં ભરાયેલાં વરસાદી નીરે બે સગી બહેનો અને એક યુવક મળી, કુલ ત્રણ જણાના ડૂબી જવાથી અરેરાટીભર્યા મોત નીપજ્યાં હતા. આમ, છેલ્લા ૨૪ કલાકના વરસાદમાં નવાં વરસાદી પાણીએ ત્રણ વ્યક્તિઓનો ભોગ લીધો હતો.

ભુજની નજીક આવેલા નાગોર ગામમાં વરસાદી પાણી ભરેલા ઊંડા ખાડામાં ડૂબી જતાં બે સગી બહેનોના મોત નીપજતાં પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી. સોમવારે બપોરે સાડા બારથી એક વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન નાગોર ફાટક નજીકના પનવેલ પાર્કની પાછળ વાડી વિસ્તારમાં આ કરુણાંતિકા બનવા પામી હતી જેમાં ૧૮ વર્ષિય હમીદાબાઈ. અબ્દુલ્લા સમા અને ૧૬ વર્ષીય નાની બહેન અફસાના સમા સંપ પર પાણી ભરવા ગઈ હતી. તે સમયે ખાડામાં બંને તેમાં નહાવા પડી હતી. પરંતુ ધારણા કરતાં ખાડો વધારે ઊંડો હોઈ આ બંને બહેનો તેમાં ગરક થઇ ગઈ હતી.

આ પણ વાંચો: BREAKING: અમરેલી નજીક શેત્રુંજી નદીમાં ડૂબી જવાથી ચારના મોત; સમગ્ર પંથકમાં શોક

ઘટનાની જાણ થતાં મૃત્યુ પામેલી બહેનોના પિતા અબ્દુલ્લા સાલે સમાઈ બે કલાકની જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢીને ભુજની જી.કે, જનરલ હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ફરજ પર હાજર તબીબે બંને બહેનોને મૃત ઘોષિત કરી હતી. આ ઉપરાંત ભુજના રુદ્રાણી ડેમમાં પણ એક અજ્ઞાત યુવકનું ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હોવાના પ્રાથમિક અહેવાલો સામે આવ્યા છે ત્યારે આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button