કચ્છમાં ત્રણ કરુણાંતિકા: અબડાસા, ગાંધીધામ અને મુંદરામાં ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા

ભુજ: કચ્છના અબડાસા તાલુકાના કંકાવટી ગામે ૧૨ બનેલી કરુણાંતિકામાં પૃથ્વીરાજસિંહ પ્રતાપસિંહ જાડેજા નામનો ૧૨ વર્ષના બાળકનું પાણીને બદલે ખેતરમાં છાંટવાની દવા પી જતાં સારવાર દરમ્યાન કરુણ મોત નીપજતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી જવા પામી હતી, જયારે ગાંધીધામ તાલુકાના ખારીરોહર ગામના મચ્છુનગર ખાતે પાણીના ટાંકામાં અકસ્માતે પડી જતાં અરવિંદ વરજાંગ સોલંકી (ઉ.વ. ૩૨) નામના યુવકે પોતાનો જીવ ખોયો હતો, બંદરીય મુંદરા તાલુકાના નાના કપાયામાં મૂળ બિહારના ૩૮ વર્ષીય લલનરાય બાલેશ્વરાયનું સંભવત હ્રદયરોગના હુમલામાં અકાળે મૃત્યુ નીપજ્યું હતું.
પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, ગત તા. ૨૦-૮ના રોજ હતભાગી બાળક એવા પૃથ્વીરાજસિંહે પોતાના ઘરે આંગણામાં ફ્રિજ બોટલમાં પડેલી ખેતરમાં છાંટવાની દવાને ભૂલથી પાણી સમજી પી લેતાં તેને ઝેરી અસર થઇ હતી. તેને પ્રથમ મોથાળાની સરકારી હોસ્પિટલ ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ગત ૩૦-૮ના રોજ સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લેતાં નલિયા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો…કચ્છમાં કરુણાંતિકા : ઘોડિયામાં સુતેલા એક વર્ષના બાળક પર થાંભલો પડતાં મોત
બીજી તરફ, ખારીરોહરમાં આવેલા મચ્છુનગર વિસ્તારમાં રહેનાર અરવિંદ પોતાના ઘરે હતો, ત્યારે પાણીના ટાંકામાં પાણી ભરવા જતાં તે અકસ્માતે ટાંકામાં પડી જતાં પોતાનો જીવ ખોયો હતો.
વધુ એક અપમૃત્યુનો કિસ્સો મુંદરાના નાના કપાયાના ઇલાર્ક પાર્ક હવેલી વિસ્તારમાં બન્યો હતો જેમાં મૂળ બિહારનો લલનરાય ગત રાત્રે તેના રૂમની ગેલેરીમાંથી સંદેહજનક પરિસ્થિતિમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. હતભાગીના શરીર પર કોઇ ઇજાના નિશાન ન હોવાનું અને આ મૃત્યુ કુદરતી હોવાનું તપાસકર્તાએ જણાવ્યું હતું.