કચ્છમાં ‘ટોલચોરી’ નહીં ચાલે: કલેક્ટરનું જાહેરનામું, બાયપાસ રસ્તાઓ બંધ કરાશે!

ભુજ: કચ્છ જિલ્લા કલેક્ટરે જાહેરનામુ બહાર પાડી જિલ્લામાં આવેલા ટોલ પ્લાઝાઓ પરથી પસાર થતાં નાના મોટા વાહનોના ચાલકોએ તેમનું વાહન ટોલનાકા પર નક્કી કરેલા ટોલ ટેક્સ ચૂકવી અને ત્યારબાદ જ ટોલનાકું પસાર કરવા હુકમ કર્યો છે. ઉપરોક્ત ટોલનાકા નજીક આવેલી જમીનમાંથી બાયપાસ થઇ પસાર થવાના બદલે પોતાની ખાનગી માલિકીની જમીનમાંથી બાયપાસ થઇ પસાર થઇ શકે તેવો કોઇ બાયપાસ રસ્તો વાહન ચાલકોને પુરો પાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
ટોલ ટેક્સ ચૂકવીને જ પસાર થવા માટે જાહેરનામું
ગુનેગારો ગુનાના સ્થળેથી અન્ય જિલ્લામાં તેમજ રાજ્ય બહાર પણ નાસી જતા હોય છે. તેમણે ઉપયોગમાં લીધેલા વાહનની વિગતો પછીથી મળતી હોય છે. કચ્છના ટોલ નાકાઓ ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે. પરંતુ કેટલાક લોકો ટોલનાકા નજીકમાં આવેલી તેમની જમીનમાં થઇને વાહનોને ટોલ ગેઇટમાંથી પસાર થવું ન પડે તે રીતે બાયપાસ થવાની સવલત પુરી પાડતા હોવાનુ સામે આવ્યુ હતુ. આથી ગુનાહિત પ્રવૃતી સાથે સંકળાયેલા વાહનો ટોલ ગેઇટથી પસાર થતા ન હોવાના કારણે વાહનોના પ્રકાર અને ચાલકની ઓળખ મળી શકતી નથી. પરિણામે આવા વાહનોને પકડવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે પકડી શકાતા નથી. આથી તમામ વાહનો જિલ્લાના ટોલનાકા પર પસાર થતા સમયે ઉભા રહે તથા રાજ્ય સરકારે જાહેરનામામાં નક્કી કરેલ ટોલ ટેક્સ ચૂકવીને જ પસાર થાય તે માટે જાહેરનામું અમલમાં મૂકાયું છે.
બાયપાસ રસ્તો પુરો પાડવા પર પ્રતિબંધ
કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ મોખા ટોલ પ્લાઝા, તા.મુન્દ્રા-કચ્છ, સામખીયાળી ટોલ પ્લાઝા, સામખીયાળી તા.ભચાઉ-કચ્છ, સૂરજબારી ટોલ પ્લાઝા તા.ભચાઉ-કચ્છ, માખેલ ટોલ પ્લાઝા તા.રાપર, ધાણેટી ટોલ પ્લાઝા તા.ભુજ ટોલ ભીરંડીયારા ટોલ પ્લાઝા તા.ભુજ નાકાઓ પરથી પસાર થતાં નાના મોટા વાહનોના ચાલકોએ તેમનું વાહન ટોલનાકા પર ઠરાવેલ નિશ્ચિત જગ્યાએ થોભાવવું તથા સરકારે નક્કી કરેલા ટોલટેક્ષ ચૂકવ્યા બાદ જ ટોલનાકું પસાર કરવું. તેમજ ઉપરોક્ત ટોલનાકા નજીક આવેલી જમીનમાંથી બાયપાસ થઇ પસાર થવાના બદલે પોતાની ખાનગી માલિકીની જમીનમાંથી બાયપાસ થઇ પસાર થઇ શકે તેવો કોઇ બાયપાસ રસ્તો વાહન ચાલકોને પુરો પાડવા પર પ્રતિબંધ ફરમાવવામા આવ્યો છે.
ક્યા સુધી અમલ?
જિલ્લા કલેક્ટરના આ હુકમનો સમગ્ર કચ્છ જિલ્લામાં તા.૧૨ સપ્ટેમ્બર સુધી અમલ કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે. કચ્છ જિલ્લામાં મોખા ટોલ પ્લાઝા, તા. મુન્દ્વા, સામખીયાળી ટોલપ્લાઝા, સામખીયાળી, સૂરજબારી ટોલ પ્લાઝા, તા.ભચાઉ, માખેલ ટોલ પ્લાઝા, તા. રાપર અને ધાણેટી ટોલ પ્લાઝા, તા.ભુજ, ભીરંડીયારા ટોલ પ્લાઝા, તા.ભુજ એમ જુદાં-જુદાં ટોલ પ્લાઝા આવેલા છે.