કચ્છના કિશોરની હત્યાનું કારણ મોબાઈલ ગેમ જ નીકળ્યુંઃ ઝડપાયેલા ત્રણ આરોપીઓ પણ સગીર…

ભુજઃ સરહદી કચ્છના રાપર તાલુકાના અંતરિયાળ એવા બેલા ગામે સ્માર્ટ ફોનમાં રમાતી ફ્રી ફાયર ગેમની આઈડી ના આપવાનું મનદુઃખ રાખીને ૧૩ વર્ષના કિશોરની ઘાતકી હત્યા કરી દેવાના રાષ્ટ્રીય સ્તરે ચકચારી બનેલા બનાવ અંગે બાલાસર પોલીસે મોડી રાત્રે ગુનો નોંધીને ત્રણે હત્યારા કિશોરોની અટક કરી જૂવેનાઈલ જસ્ટીસ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ ઇન્સ્પેકટર એસ.વી. ચૌધરીએ જણાવ્યું હતું કે, હત્યાનો બનાવ મંગળવારે બપોરે બે વાગ્યાના અરસામાં ગામના તળાવ નજીક આવેલા બગીચાની પાળે બન્યો હતો. મરનાર પ્રવિણ નામેરી રાઠોડ અને તેના ફળિયામાં રહેતાં અન્ય મિત્રો સૌ બગીચાની પાળે બેસીને સ્માર્ટ ફોનમાં ગેમ રમ્યાં કરતાં હતાં. આરોપીઓએ એકવાર પ્રવિણ પાસે ફ્રી ફાયર ગેમની આઈડી માંગેલી પરંતુ પ્રવિણે આઈડી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ બાબતની અદાવત રાખીને આરોપી ત્રણે મિત્રોએ તેની હત્યાનું કાવતરું ઘડીને તેને મોબાઈલ ગેમ રમવાના બહાને બગીચાની પાળે બોલાવ્યો હતો.
પ્રવિણ જેવો ત્યાં આવ્યો કે એક જણે તેને પકડી લીધો હતો અને બાકીના બે કિશોરે પોત-પોતાના હાથમાં રહેલી છરીઓથી તેના ગળા પર બે ઘા સહિત પેટ અને બંને હાથમાં આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કરેલું. હત્યા સમયે યોગાનુયોગ તળાવમાંથી માટી કાઢીને ટ્રેક્ટરમાં લઈ જતો પ્રવિણનો ભાઈ જગદીશ નજીકમાં હાજર હતો. પ્રવિણની બૂમાબૂમ સાંભળીને નાના ભાઈને મારતાં ત્રણે આરોપીને જોઈ લેતાં તે સ્થળ પર દોડી આવ્યો હતો. જગદીશને આવતો જોઈ ત્રણે જણાં ગામમાં નાસી ગયાં હતાં.
Also read : આ મોબાઈલનું તો નખ્ખોદ જાયઃ મોબાઈલની ગેમના પોઈન્ટ્સે લીધો માસૂમનો જીવ…
પ્રવિણ બગીચાની પાળ પરથી ફસડાઈને સીધો નીચે પડ્યો હતો અને ગંભીર ઈજાઓથી તેનું તત્કાળ મૃત્યુ નીપજ્યું હતું.
હત્યાના બનાવને ગંભીરતાથી લઈ રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને એસ.પી સાગર બાગમારની સૂચના મુજબ ડીવાયએસપી સાગર સાંબડાના માર્ગદર્શનમાં બાલાસર પોલીસે મોડી રાત્રે આરોપીઓ સામે ગુનો દાખલ કરીને ત્રણે કિશોરોની જૂવેનાઈલ જસ્ટીસ એક્ટ હેઠળ અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
દુઃખની વાત તો એ છે કે જેની હત્યા થઈ તે અને જેમણે કરી તે ચારેય સગીર વયના છે અને ઉંમરના આ પડાવ પર ત્રણ જણે એવો ગુનો કર્યો છે કે લાંબો સમય જેલમાં રહેવું પડશે જ્યારે એક કિશોરે તો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.