કચ્છ

કચ્છમાં માતમ: જિલ્લામાં અલગ અલગ બનાવમાં 6 લોકોનાં મૃત્યુ…

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજઃ કચ્છમાં આપઘાત અને અકસ્માતના બનેલા જુદા જુદા બનાવમાં છ લોકોએ પ્રાણ ગુમાવી દેતાં પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

ગાંધીધામ તાલુકાનાં ગળપાદર ખાતેના એક તળાવમાં ડૂબી જતાં ૨૨ વર્ષીય અંજલિબેન શામજી ગોહિલનું મોત નીપજ્યું હતું, અંજાર તાલુકાનાં મોડવદરમાં કંપનીમાં કામ કરતી વેળાએ ઊંચાઇએથી નીચે પટકાયેલા ધર્મેન્દ્ર ગીરજા ચૌહાણ નામના શ્રમિકનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજયું હતું, જયારે અંજાર તાલુકાનાં મેઘપર કુંભારડીમાં રેખાબેન રાજાભાઈ બડગાએ અને મુંદરાનાં પત્રી ગામે ૧૯ વર્ષીય શાંતિલાલ રતિલાલ જોગીએ ગળેફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી લીધી હતી.

આ ઉપરાંત લખપતના ઘડુલી નજીક બે મોટરસાઇકલની સામસામી ટક્કર થતાં ધારેશીના ૨૨ વર્ષીય વિનોદ લધા કોલી અને ઘડુલીના ૧૯ વર્ષીય મહાવીરસિંહ જાલુભા સોઢાના ગંભીર ઈજાઓને પગલે કરુણ મોત નીપજ્યાં હતાં.

ગળપાદર ગામમાં આવેલા તળાવમાં અકસ્માતે પડી જતાં અંજલિ ગોહિલનું ડૂબી જવાથી મોત નીપજતાં પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી હતી. અંજાર તાલુકાનાં મોડવદર ખાતે આવેલા શાકંભરી વિનિયરમાં અકસ્માત મોતનો બનાવ ગત તા.૩૦-૧૨-૨૦૨૫ના સાંજના અરસામાં બન્યો હતો, જેમાં ધર્મેન્દ્ર નામનો શ્રમિક કામ કરતી વેળાએ ૧૦ ફૂટ ઊંચાઈ ઉપરથી અકસ્માતે પગ લપસતાં નીચે પટકાતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

પ્રાથમિક સારવાર આદિપુરની રામબાગ હોસ્પિટલમાં મેળવ્યા બાદ તેને ભુજની જનરલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. એકાદ મહિનાની સારવાર બાદ તેને ગત ૨૮-૧ના હોસ્પિટલ દ્વારા રજા આપી દેવાઈ હતી. આ દરમ્યાન તેની અચાનક તબીયત બગડી હતી અને સારવાર મળે તે અગાઉ ધર્મેન્દ્રએ દમ તોડી દીધો હતો.

બીજી તરફ, અંજાર તાલુકાનાં મેઘપર કુંભારડીના ભક્તિનગરમાં અકસ્માત મોતનો બનાવ ગત તા. ૩૦ના બપોરે એક વાગ્યાના અરસામાં બન્યો હતો. રેખાબેન નામની યુવતીએ કોઈ અજ્ઞાત કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ચાર મહિના અગાઉ છુટાછેડા લેનાર મૃતકના આ આત્મઘાતી પગલાંથી ચાર વર્ષનાં બાળકે માતાની છત્રછાયા ગુમાવી દીધી હોવાનું જાણવા મળ્યું હતું.

આ પ્રકારનો અન્ય બનાવ મુંદ્રા તાલુકાનાં પત્રી ગામના જોગી વાસમાં સામે આવ્યો હતો જેમાં શાંતિલાલ જોગી નામના યુવાને સવારના આઠ વાગ્યાના અરસામાં કોઇ અગમ્ય કારણોસર પોતાનાં ઘરે નળિયાનાં લાકડાંનાં પાર્ટિશનમાં સાડી વડે ગળેફાંસો ખાઇ આપઘાત કરીને પોતાની જીવાદોરી ટૂંકાવી લેતાં પ્રાગપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

લખપત તાલુકાના ઘડુલી અને વિરાણી વચ્ચેના માર્ગ પરના રબારીવાસ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માત અંગે દયાપર પોલીસ મથકના પી.આઈ પટેલ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, ધારેશીનો વિનોદ કોળી રવાપરથી પોતાના ગામ તરફ મોટરસાઇકલ પર સવાર થઈને જઈ રહ્યો હતો. આગળ જઈ રહેલાં વાહનને ઓવરટેક કરવા જતાં સામેથી આવતી મહાવીરસિંહની મોટરસાઇકલ સાથે ટક્કર થતાં બંને ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ સારવાર મળે તે અગાઉ તેઓએ અંતિમ શ્વાસ લેતાં પંથકમાં શોકની લાગણી પ્રસરી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button