કચ્છમાં અપમૃત્યુના સાત બનાવ: ઘરનો દરવાજો ખોલતાં જ કરંટ લાગતાં મહિલાનું મૃત્યુ…

ભુજ: કચ્છના અંજાર તાલુકાના ધમડકા ખાતે એક માલધારી પરિવારના પાંચ બાળકો ડૂબ્યા હોવાની બનેલી ગોઝારી દુર્ઘટના વચ્ચે વીતેલા 24 કલાક દરમ્યાન આપઘાત-અકસ્માતની ઘટનાઓની વણઝારમાં સાત લોકોના અકાળે મોત નિપજતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી જવા પામી છે.
Also read : કચ્છના કિશોરની હત્યાનું કારણ મોબાઈલ ગેમ જ નીકળ્યુંઃ ઝડપાયેલા ત્રણ આરોપીઓ પણ સગીર…
વીજ કરંટથી બેનાં મૃત્યુ
પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કંડલા રહેતા સરતાઝને ઘરના લોખંડના મુખ્ય દરવાજાને ખોલતાં જ જોરદાર વીજળીનો કરંટ લાગતાં તેને પ્રાથમિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરાયો હતો. કંડલા મરીન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ પ્રકારનો અન્ય જીવલેણ બનાવ અંજાર તાલુકાના લાખાપરની વાડીએ બન્યો હતો જેમાં ઇલેક્ટ્રિક બોર્ડની પીન સરખી કરી રહેલા જિગર મુનિયાને ઇલેક્ટ્રિક શોર્ટ લાગતાં તેનો તત્કાળ જીવનદીપ બુઝાયો હતો. અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરી કાર્યવાહી આદરી છે.
આત્મહત્યાનાં બે બનાવો
બીજી તરફ, અબડાસા તાલુકાના ત્રંબૌ ખાતે રહેતા રમીલાબેન કોલીએ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે આડીમાં સાડી બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં નલિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આત્મહત્યાનો અન્ય એક બનાવ અબડાસા તાલુકાના મોટી વરંડી ખાતે સામે આવ્યો હતો જેમાં ગત સવારના અરસામાં લખમણ કટુઆએ કોઇ અકળ કારણે પોતાના મકાનની લાકડાંની આડીમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ લેતાં કોઠારા પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
અન્ય અપમૃત્યુનો કરુણ બનાવ ભુજ તાલુકાના બળદિયામાં બનવા પામ્યો હતો જેમાં અહીં રહેતા અને માનસિક બીમારીથી પીડાતા 41 વર્ષીય વિજયાબેન શોખાએ ગત 13મી માર્ચના રોજ દસેક જેટલી માનસિક બીમારીની ગોળીઓ ખાઇ લેતાં તેમની તબિયત લથડી હતી. વિજયાબેનને તાત્કાલિક સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ સારવાર કારગત ન નીવડતાં તેમનું મૃત્યુ થયું હતું.
ભુજમાં કારની ટક્કરે વૃદ્ધનું મોત
દરમ્યાન, સવારના છ વાગ્યાના અરસામાં ભુજના ભીડનાકા સર્કલ પાસે આવેલી ચા-નાસ્તાની દુકાનેથી વૃદ્ધ મામદભાઈ પગપાળા ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે સુરલભિટ્ટ રોડ તરફથી પૂરપાટ આવતી કારે તેમને ટક્કર મારી દીધી હતી. વીસથી પચીસ મીટર સુધી માર્ગ પર ઢસડાયેલા મામદભાઈને જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા પરંતુ તેમનું સારવાર પૂર્વે જ તેમનું મોત થયું હતું. મૃતકના પુત્રએ કારચાલક વિરુદ્ધ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
Also read : ચિંતાજનકઃ કચ્છમાં 24 કલાકમાં ત્રણે જીવન ટૂંકાવ્યુંઃ બે જણે તો યુવાનીમાં પગ મૂક્યો હતો
હોળી પર પરત ઘરે ફરી રહેલા બે યુવાનનો અકસ્માત
વધુ એક જીવલેણ માર્ગ અકસ્માતનો બનાવ લખપત તાલુકાના ઘડાણી ગામના પાટિયા પાસે સર્જાયો હતો જેમાં ફુલરાથી નાના વાલકા ફઈના ઘરે હોળી-ધુળેટી પર્વ નિમિત્તે મળવા માટે પોતાની મોટરસાઇકલ પર જઈને પરત આવી રહેલા જયેશ બડિયા તથા નાના વાલકાનો દિનેશ હરિલાલ સીજુને ઘડાણી પાટિયા પાસે સામેથી આવતી બોલેરો પીકઅપ સાથે અકસ્માત સર્જાયો હતો. બંનેને નખત્રાણા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં જયેશનું ગંભીર ઈજાના પગલે મોત નિપજ્યું હતું જ્યારે દિનેશને માથા તથા મોઢાના ભાગે ગંભીર પ્રકારની ઈજા હોવાથી વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હોવાનું નખત્રાણા પોલીસે જણાવ્યું હતું