કચ્છ

ઓધોઈ-લખપત રોડ લોહીલુહાણ: મિક્સર મશીનની અડફેટે કાકા-ભત્રીજીનું મોત…

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજઃ કચ્છના ધોરીમાર્ગો રક્તરંજિત બનવાનો વણથંભ્યો સિલસિલો યથાવત રહેતો હોય તેમ ભચાઉ તાલુકાના આધોઇ-લખપત માર્ગ ઉપર રીવર્સમાં આવી રહેલાં તોતિંગ મિકક્ષર મશીન તળે કચડાઈ જવાથી રમેશ ગણેશ ભરવાડ(ઉ.વ.૨૮) અને તેની ભત્રીજી હસ્તી કરશન ભરવાડ(ઉ.વ.૪)નું કમકમાટીભર્યું મૃત્યુ થયુ હતું જયારે એક વ્યક્તિને ઘાયલ થયો હતો.

શું છે વિગત

ભચાઉ પોલીસ મથકેથી બનાવ અંગે જાણવા મળેલી વિગતો મુજબ, મૃતક રમેશ ભરવાડ, કિશન ભરવાડ અને તેમની ભત્રીજી હસ્તી ભરવાડ માતાજીની આઠમ નિમિતે આધોઇ ખાતેના મેલડી માતાના મંદિરે જાતર ચઢાવવા માટે મોટર સાઈકલ (નંબર જીજે-૩૯-એચ ૨૨૦૩) પર સવાર થઈને નીકળ્યા હતા. તેઓ આધોઇ-લખપત માર્ગ પર પહોંચ્યા ત્યારે એક પુલના ચાલી રહેલા કામ અંતર્ગત આગળ જઈ રહેલાં ભારે વાહનને સાઈડ આપવા મોટરસાઈકલને થોભાવીને માર્ગની સાઈડમાં ઘડીભર ઉભા હતા.

આ દરમ્યાન અચાનક ફલોરી મિક્ષચર મશીનના ચાલકે પાછળ જોયા વિના તોતિંગ વાહનને રીવર્સ લેતા મોટર સાઈકલ સહિત તેના પર બેઠેલા ત્રણેય વ્યક્તિઓને કચડી નાખ્યા હતા. જેમાં કાકા-ભત્રીજીના ગંભીર ઇજાઓને પગલે ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જયારે કરશન ભરવાડને ગંભીર ઈજાઓ પહોંચતાં તેને રાજકોટ સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો.

આ અકસ્માતના બનાવ અંગે કરશનભાઈ ગણેશભાઈ ભરવાડે ફલોરી મિક્ષચર વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. એક જ પરિવારના બે સભ્યોના આકસ્મિક મૃત્યુને લઈને પરીવારમાં ભારે ગમગીની ફેલાઈ ગઈ હતી.

આ પણ વાંચો…વડોદરાથી કચ્છ ફરવા આવેલા પ્રવાસીઓની મીની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત બાદ લાગી આગ…

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button