
ભુજઃ વિનાશક ધરતીકંપ બાદ ચો-તરફથી વિકસતા જતા રણપ્રદેશ કચ્છની વિકાસ યાત્રાને આગળ ધપાવવા માટે કેન્દ્રીય મંત્રીમંડળે દેશલપર-હાજીપીર-લુણા અને વાયોર-લખપત બે રેલવે લાઈનો તેમજ ભુજ-નલીયા વચ્ચે બિછાવવામાં આવેલી રેલ્વે લાઇનનું નખત્રાણાના વાયોર સુધી વિસ્તરણ, અંદાજિત ૧૯૪ કિ.મીને આવરી લેતી નવી નલિયા-જખૌ બંદરના ટ્રેકને રૂ.૩,૩૭૫ કરોડના ખર્ચે બનાવવા માટે મંજૂરી આપી દીધી છે.
આ ચાર નવી રેલવે લાઈનોનું નિર્માણ કચ્છના આંતરરાષ્ટ્રીય સરહદની નજીક આવેલા સરહદી અને સમુદ્રી કાંઠાના છેવાડાના વિસ્તારો સુધી રેલ કનેક્ટિવિટી મજબૂત કરવા, ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવા તરફ આ મહત્વપૂર્ણ પગલું બની રહેશે.
ભાતીગળ કચ્છ પ્રદેશમાં વિપુલ માત્રામાં કુદરતી સંસાધનો આવેલાં છે. ભારતમાં ઉત્પાદિત કુલ ચૂનાના પત્થરના આશરે ૭૦ ટકા જેટલું ઉત્પાદન એકલાં કચ્છમાં થાય છે.ઉત્તમ ગુણવતા માટે વિશ્વભરમાં જાણીતી બેન્ટોનાઇટ માટી અબડાસા, બંદરીય માંડવી, લખપતના પેટાળમાંથી વિપુલ માત્રામાં મળી આવે છે જેનો ઉપયોગ ડ્રિલિંગ પ્રવાહી, સૌંદર્ય પ્રસાધનો, કૃષિ અને વોટરપ્રૂફિંગ સહિત સેંકડો ઉદ્યોગોમાં થાય છે. હાલમાં, કચ્છ ક્ષેત્રમાં ૨૦૯ જેટલી બેન્ટોનાઇટના ખનનની ખાણો સક્રિય છે, જે વાર્ષિક આશરે ૬૦ મિલિયન ટન ઉત્પાદન કરે છે.

મહાબંદરોવાળા કચ્છના વેપારને મળશે વેગ
વિનાશક ભૂકંપ બાદ થઇ રહેલાં ઔદ્યોગિકરણ અને કંડલા તેમજ મુંદરા જેવા મહાબંદરોને કારણે પશ્ચિમ રેલ્વે હેઠળનો સૌથી મોટો માલવાહક પ્રદેશ કચ્છ જિલ્લો બન્યો છે. ગત એપ્રિલ ૨૦૨૫થી ઓક્ટોબર ૨૦૨૫ના સમયગાળા દરમ્યાન ૧.૭૨૭ મિલિયન મેટ્રિક ટન ઔદ્યોગિક મીઠું, ૧.૧૧૯ મિલિયન મેટ્રિક ટન ખાદ્ય મીઠું અને ૧૦.૫૮૬ મિલિયન મેટ્રિક ટન કન્ટેનર કચ્છથી મોકલવામાં આવ્યા હતા.
નાપાક પાકિસ્તાનને અડીને આવેલો આ સૂકો રણ પ્રદેશ વ્યૂહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ છે. રાષ્ટ્રીય સુરક્ષા માટે અહીં ઝડપી, સલામત અને વિશ્વસનીય પરિવહન વ્યવસ્થા વિકસાવવી જરૂરી છે. નવી રેલ્વે લાઇનોનું નિર્માણ અને અપગ્રેડેશન સંરક્ષણ દળોની તૈનાતી, લશ્કરી સાધનોના પરિવહન અને કટોકટીનો ઝડપથી જવાબ આપવાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે. આ પ્રકલ્પ કચ્છના ઔદ્યોગિક અને ખનિજ સમૃદ્ધ વિસ્તારોને દેશના રેલ નેટવર્ક સાથે જોડશે અને રાષ્ટ્રીય સુરક્ષા માટે મજબૂત પાયો પણ પૂરો પાડશે.
બીજી તરફ, તાજેતરમાં ૧૦૧.૪૦ કિલોમીટરની ભુજ-નલિયા રેલ લાઇનનું મીટર ગેજથી બ્રોડગેજમાં રૂપાંતરણ કાર્ય પૂર્ણ કરી લેવાયું છે. નલિયાથી વાયોર (૨૪.૬૫ કિ.મી) રેલ લાઇનનું વિસ્તરણ હાલ રૂ.૪૩૭.૧૮ કરોડના અંદાજિત ખર્ચે ચાલી રહ્યું છે. સાંઘીપુરમ ગામ આ રૂટ પર પ્રસ્તાવિત વાયોર સ્ટેશનની નજીક સ્થિત છે. હાલમાં, રેલ કનેક્ટિવિટી હજુ સુધી ઉપલબ્ધ ન હોવાથી સાંઘીપુરમ ખાતે આવેલા સાંઘી સિમેન્ટ સહિતના એકમો દ્વારા થતાં ઉત્પાદનોને સડક માર્ગે પહેલા ભુજ પહોંચાડવામાં આવે છે અને ત્યારબાદ માલગાડી દ્વારા ગંતવ્ય સ્થળ પર મોકલવા પડી રહ્યા છે.
વધુમાં, એક અગ્રણી ઉદ્યોગ ગૃહ વાયોર સ્ટેશન નજીક નવું સિમેન્ટ ઉત્પાદન એકમ સ્થાપિત કરી રહ્યું છે, જે ટૂંક સમયમાં ઉત્પાદન શરૂ કરે તેવી અપેક્ષા છે. રેલ લાઇનનું આ વિસ્તરણ આ તમામ ઉદ્યોગોને સીધી રેલ કનેક્ટિવિટી પ્રદાન કરશે, જેનાથી કાચા માલ અને તૈયાર ઉત્પાદનોનું પરિવહન વધુ અનુકૂળ, ઝડપી અને ખર્ચ-અસરકારક બનશે સાથો સાથ ટ્રાફિક જામની સ્થિતિમાંથી સ્થાનિકોને રાહત મળશે, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધશે અને પ્રાદેશિક આર્થિક વિકાસને વેગ મળશે.

દરમ્યાન, પશ્ચિમ કચ્છના નલિયા-જખૌ બંદર વચ્ચેની ૨૪.૮૮ કિ.મીની નવી બ્રોડગેજ રેલ લાઇનને, જખૌ બંદર સુધી લંબાવવામાં આવશે જેથી મત્સ્યયોગના કેન્દ્ર સમા જખૌ બંદરની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતામાં વધારો થશે અને મુંદરા-કંડલા બંદરો પર સતત વધી રહેલું દબાણ ઘટશે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૧માં ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા નવીનીકરણ પામેલા અબડાસા તાલુકાના જખૌ બંદરને આયાત-નિકાસ હબ તરીકે વિકસિત કરવા માટેના આ પ્રકલ્પનો અંદાજિત ખર્ચ રૂ.૪૧૦.૪૬ કરોડ છે. આ વિસ્તારમાં વિશાળ જમીન ઉપલબ્ધ છે, જે ઔદ્યોગિક એકમો, વેરહાઉસ, સેવા પ્રક્રિયા અને પેકેજિંગ કેન્દ્રો સ્થાપવાની સંભાવનામાં વધારો કરશે. હાલમાં, કોલસો, મીઠું, ક્લિંકર અને સિમેન્ટનું પરિવહન રેલ કનેક્ટિવિટીના અભાવે માર્ગ દ્વારા થાય છે, પરંતુ હવે તેનું સ્થાન રેલ દ્વારા લેવામાં આવશે. જખૌ બંદરનું વ્યૂહાત્મક સ્થાન પણ અત્યંત મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો…સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવાસીઓને રાહતઃ ભુજ-રાજકોટની ટ્રેન શરુ કરવાનો રેલવેનો નિર્ણય…



