કચ્છ ભાગી આવેલાં તરુણ વયના પાકિસ્તાની પ્રેમી યુગલને દિલ્હીની તિહાર જેલમાં લઇ જવાયું | મુંબઈ સમાચાર
કચ્છ

કચ્છ ભાગી આવેલાં તરુણ વયના પાકિસ્તાની પ્રેમી યુગલને દિલ્હીની તિહાર જેલમાં લઇ જવાયું

ભુજઃ ભારત-પાકિસ્તાન વચ્ચે પ્રવર્તી રહેલી ‘કોલ્ડ વોર’ની પરિસ્થિતિ વચ્ચે ગત ૮મી ઓક્ટોબરના રોજ પાકિસ્તાનના થરપારકર જિલ્લામાંથી અત્યંત સંવેદનશીલ આંતરરાષ્ટ્રીય સરહદનો કપરો માર્ગ પગપાળા ઓળંગીને કચ્છના વાગડના ખડીર પંથકના રતનપર ગામમાં કથિત રીતે શરણ માટે આવી ચડેલાં તરુણ પ્રેમીઓને દિલ્હીની પ્રખ્યાત તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યાં હતા.

આ અંગે ખડીરના ઇન્ચાર્જ પી.આઈ વી.એ ઝાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, રતનપર ગામના પાદરે આવેલા સાંગવારી માતાજીના મંદિર પાસે શંકાસ્પદ દેખાતાં તરુણ-તરુણીને જાગૃત ગ્રામજનોએ રોક્યા હતા અને તેમની પૂછપરછ શરૂ કરી હતી જેમાં સ્થાનિક ભાષાને બદલે તેઓ સિંધી ભાષામાં વાત કરતા હોઈ, પોલીસને જાણકારી આપી હતી. પોલીસે તેમની પૂછતાછ હાથ ધરતાં તોતો ઉર્ફે તારા આમળ ચૂડી (ભીલ) અને મીના ઉર્ફે પૂજા કરશન ચૂડી (ભીલ) પાકિસ્તાનના થરપાકર જિલ્લાના ઇસ્લામકોટના બસરી ગામના રહેવાસીઓ હોવાનું બહાર આવ્યું હતું. આ બંને એક બીજાને પ્રેમ કરતા હોવાનું અને અને તેમનો આ સંબંધ પરિવારજનોને મંજુર ન હોઈ, તેઓ ઘરેથી ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. તરુણીએ પાકિસ્તાનમાં આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી, પરંતુ તેના પ્રેમીએ તેને બચાવી લીધી હતી.

આ પણ વાંચો : અમિત શાહે કરી મોટી જાહેરાત; 1-15 નવેમ્બર ભારત પર્વની ઉજવણી, દર વર્ષે એકતા નગર ખાતે પરેડ

ઇન્ચાર્જ પી.આઈ વી.એ ઝાએ વધુમાં જણાવ્યું કે, તેમના પરિવાર તેમના પ્રેમ સંબંધનો સ્વીકાર કરવા રાજી ન હોવાથી પાકિસ્તાનમાં મરવા કરતાં ભારતમાં શરણ મેળવવાનો પ્રયાસ કરવો અને જો તે દરમિયાન મૃત્યુ મળે તો તેને મંજૂર રાખવું એવો નિર્ણય લઈને નીકળી પડેલાં સોળેક વર્ષનાં આ તરુણ-તરુણી, જેને પાર કરવું ખૂબ મુશ્કેલ ગણાય છે તે કચ્છનું મોટું રણ વીંધી સહીસલામત રીતે કચ્છ પહોંચી આવ્યાં હતાં.

ભારત સરકારે હજુ સુધી આ નાદાન વયના આ પ્રેમીઓ વિરુદ્ધ કોઈ કડક કાયદાકીય પગલાં લીધાં નથી. જોકે, હવે આ તરુણ કપલે તિહારથી પાકિસ્તાન તેમના ઘરે પરિવારજનો પાસે પાછાં ફરવું પડે તેવો ઘાટ ઘડાઈ રહ્યો હોવાનું તેઓએ ઉમેર્યું હતું.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button