અમદાવાદ કે મુંબઈમાં રમાતા દાંડિયારાસના દાંડિયા બન છે કચ્છના આ ગામમાં | મુંબઈ સમાચાર
કચ્છ

અમદાવાદ કે મુંબઈમાં રમાતા દાંડિયારાસના દાંડિયા બન છે કચ્છના આ ગામમાં

ભુજઃ ક્રાફટ વિલેજ તરીકે ઓળખાતા ભાતીગળ કચ્છના નિરોણા ગામના વાઢા પરિવારો માટે અત્યારે જાણે સુવર્ણ દિવસો ચાલી રહ્યા છે. આ નાનકડા ગામના ઇકો-ફ્રેન્ડલી દાંડિયા કચ્છ ઉપરાંત અમદાવાદ,મુંબઈ સુધી પહોંચે છે. ગાંગેટી નામના મોટે ભાગે રણ વિસ્તારમાં ઉગતાં એક ઝાડની ડાળીઓમાંથી માત્ર છોલ કરીને વાઢા જાતિના પરિવારો આખું વર્ષ આવા દાંડિયા બનાવે છે અને નવરાત્રી પર્વ ટાંકણે આ ઇકો-ફ્રેન્ડલી દાંડિયા કચ્છ સહીત ગુજરાતના અન્ય શહેરો અને મુંબઈની બજારોમાં ઠલવાય છે.

જુના ભુજની ઐતિહાસિક ડાંડા બજારમાં ફરતાં હાલે આવા દાંડિયાઓના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે.દાયકાઓથી નવરાત્રી દરમ્યાન દાંડિયાનો વ્યવસાય કરતા હુસેનભાઇ વોહરાના જણાવ્યા પ્રમાણે આ વર્ષે પ્રમાણમાં સારું વેંચાણ થઇ રહ્યું છે. કચ્છના નિરોણાના દાંડિયા ખાસ કરીને જુદા જુદા ગરબી મંડળો જથ્થાબંધ ખરીદે છે અને ગરબીમાં રમવા આવતા ખેલૈયાઓ પોતાને જોઈતા દાંડિયાઓ ઉપાડી દાંડિયારાસમાં જોડાય છે.

આ પણ વાંચો: રાજકોટમાં ગરબીની સુરક્ષા માટે 1000 પોલીસ તૈનાત રહેશે, અર્વાચીન દાંડિયારાસમાં ફાયર NOC વગર નહીં મળે મંજૂરી

નિરોણાના વાઢા પરિવારોને આ દાંડિયાઓ બનાવવા ભારે મહેનત કરવી પડે છે અને વન-વગડામાં કલાકોની રઝળપાટ બાદ એકઠા કરાયેલા ગાંગેટી ઝાડની ડાળીઓની છોલ કરીને,બાર કલાકમાં માંડ એકસો જેટલી દાંડિયાની જોડ તૈયાર થાય છે. એક જોડી રૂપિયા વીસના ભાવે દુકાનોમાં વેંચાય છે.

હુસેનભાઇ વોહરાએ ઉમેર્યું હતું કે,નાના બાળકો અને મહિલાઓ મોટેભાગે મશીન કટ તેમજ વર્ક વાળા રંગબેરંગી દાંડિયા પસંદ કરે છે તેમ છતાં મશીન અને રોબોટના આ જમાનામાં પણ, છોલ કરેલા ઇકો ફ્રેન્ડલી દાંડિયાનું અસ્તિત્વ હજુ જળવાયેલું છે જે એક આનંદની વાત છે.

આ પણ વાંચો: કચ્છના નાનકડા ગામના ઇકો-ફ્રેન્ડલી દાંડિયાની દેશ-વિદેશમાં છે નામના! કેવી રીતે બને છે ‘ગાંગેટી’ના દાંડિયા…

દરમ્યાન, ભુજના દરબારગઢ પાસે આવેલી ઐતિહાસિક ડાંડા બજારના વેપારીઓ દાંડિયામાં છેલ્લી ઘડીની ખરીદીની રાહ જોઈ રહ્યા છે.

આ વખતે ઠેર ઠેર શેરી ગરબીઓ પુનઃજીવિત થવાથી સારો વેપાર થશે તેવો વિશ્વાસ પણ આ વેપારીઓના હૈયે છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button