કચ્છના મુંદરાના નવીનાળ-સિરાચા નજીક વાડી પાસેથી 320 લીટર દેશી દારૂ ઝડપાયો, 10 લોકો વિરુદ્ઘ ફરિયાદ…

મુંદરા : કચ્છના મુંદરા તાલુકાના નવીનાળ-સિરાચા ગામ વચ્ચેના માર્ગ પર એક વાડીમાં ધમધમી રહેલા દેશી દારૂના અડ્ડા પર દરોડો પાડીને પોલીસે સ્વાસ્થ્ય માટે હાનિકારક દેશી શરાબના 320 લીટર જથ્થા સાથે બે આરોપીઓને દબોચી લીધા હતા, જયારે મુખ્ય સૂત્રધાર ગજુભા ભીમાજી જાડેજા (નવીનાળ) અને કુંદરોડીના કિશનસિંહ દશરથસિંહ જાડેજા સહિત આઠ આરોપીને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
સર્વેલન્સ સ્ટાફને ખાનગી બાતમી મળી હતી
આ કાર્યવાહી અંગે મુંદરા પોલીસે માહિતી આપતાં જણાવ્યું હતું કે, શિરાચાથી નવીનાળ તરફ જતા માર્ગ પર પાલુ ગોપાલ ગઢવી નામના શખ્સની વાડીમાં નવીનાળના ગજુભા ભીમાજી જાડેજા તથા કુંદરોડીના કિશનસિંહ દશરથસિંહ જાડેજાએ વવારના ગોપાલ ગઢવી પાસેથી મંગાવેલા દેશી દારૂને કોથળીઓમાં રાખી, ભાડે રાખેલા માણસો મારફતે કચ્છમાં અલગ-અલગ જગ્યાએ ગેરકાયદે રીતે વેચાણ કરાવી રહ્યા હોવા અંગે સર્વેલન્સ સ્ટાફને ખાનગી બાતમી મળી હતી.
કુલ રૂપિયા 94,000 નો મુદ્દામાલ જપ્ત
આ સચોટ બાતમીના આધારે મુંદરા પોલીસે દરોડો પાડીને 320 લિટર દેશી દારૂ કિં. રૂા.64,000 તથા બે મોબાઈલ ફોન કિં.રૂા.10,000 અને એક દ્વિચક્રી વાહન કિં.રૂા. 20,000 એમ કુલ રૂા. 94,000 ના મુદ્દામાલ સાથે રાજદીપસિંહ દશરથસિંહ જાડેજા (કુંદરોડી) અને વિક્રમકુમાર બ્રહ્મદેવ તિવારી (નવીનાળ)ને ઝડપી લેવાયા હતા,
ગજુભા ભીમાજી જાડેજાનો ગુનાહિત ઈતિહાસ
જ્યારે દરોડા સમયે હાજર ન મળેલા અન્ય આરોપી ગજુભા ભીમાજી જાડેજા (નવીનાળ) કિશનસિંહ દશરથસિંહ જાડેજા (કુંદરોડી), ગોપાલ ગઢવી (વવાર), પાલુ ગોપાલ ગઢવી (નવીનાળ), તેજસ, શંભુ પાંડે,શિવમ, જગદીશ ચાવડા વિરુદ્ધ ગુનો દાખલ કરીને તમામને ઝડપી લેવા કવાયત આદરવામાં આવી છે.
દરમ્યાન, આ પ્રકરણમાં બે મુખ્ય આરોપી પૈકીનો એક ગજુભા ભીમાજી જાડેજા ભૂતકાળમાં નવીનાળ ગામનો સરપંચ અને મુંદરા તાલુકા કોંગ્રેસના પ્રમુખપદે રહી ચૂકેલો છે. ગુનાહિત પ્રવૃત્તિઓને અનુલક્ષીને વર્ષ ૨૦૧૫ અને ૨૦૨૦માં ગજુભા વિરુદ્ધ ‘પાસા’ હેઠળ કાર્યવાહી થયેલી છે. વર્ષ ૨૦૨૪માં ગાંધીનગરની સ્ટેટ મોનિટરીંગ સેલની ટુકડીએ ગજુભાના અડ્ડા પર દરોડો પાડ્યો હતો.



