કચ્છનું ગૌરવ: પુણેના રાષ્ટ્રીય હોર્સ-શોમાં ગાંધીધામનો અશ્વ ‘શિવાલિક’ દેશભરમાં પ્રથમ…

ભુજ: મહારાષ્ટ્રના પુના ખાતે આયોજિત રાષ્ટ્રીય સ્તરના ઈઓસી હોર્સ-શોમાં કચ્છના ગાંધીધામ શહેરના આરતી સ્ટેબલ્સના અશ્વ શિવાલિકે ‘મિલ્ક ટીથ કોલ્ટ’ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી, કચ્છનું ગૌરવ વધાર્યું છે.
આ સ્પર્ધામાં ગુજરાત, રાજસ્થાન, પંજાબ, દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા, તામિલનાડુ સહિતના દેશના વિવિધ રાજ્યોમાંથી ૨૦૦થી વધુ અશ્વોએ ભાગ લીધો હતો, જેમાં આ અત્યંત કઠિન સ્પર્ધામાં ગાંધીધામના હરપાલાસિંહ શૈલેન્દ્રાસિંહ જાડેજાની માલિકીના ઘોડા શિવાલિકે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. શિવાલિકે મેળવેલી આ સિદ્ધિ ઘોડેસવારી તથા ઘોડા પાલન ક્ષેત્રમાં કાર્યરત યુવા તાલીમાર્થીઓને માટે પ્રેરણારૂપ સાબિત થાય તેવી આશા હરપાલાસિંહ જાડેજાએ વ્યક્ત કરી હતી.
વિશ્વભરમાં પ્રખ્યાત કાઠિયાવાડી અશ્વો માત્ર એક પ્રજાતિ નથી, પરંતુ આપણી સંસ્કૃતિ, શૌર્ય અને ઇતિહાસની જીવંત ઓળખ છે. થોડા દિવસ પહેલા જ ગુજરાત સરકારના પશુપાલન વિભાગ તથા ટુરીઝમ વિભાગના સહયોગથી, રાજસાહેબ ડો. દિગ્વિજયસિંહજી ઝાલાની સ્મૃતિમાં વાંકાનેર ખાતે “17મો કામા અશ્વ મહોત્સવ” તથા “રમતોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે કાઠિયાવાડી અશ્વની સમૃદ્ધ પરંપરા અને વૈજ્ઞાનિક સંવર્ધનને ઉજાગર કરતું માહિતી પુસ્તક વિમોચન પણ કરવામાં આવ્યું. ગુજરાત સહિત રાજ્ય બહારથી આવેલા કાઠિયાવાડી, મારવાડી અને સિંધી બ્રીડના ભવ્ય અશ્વ શો આ મહોત્સવની વિશેષ આકર્ષણ બની રહ્યા હતા.



