કચ્છમાં મેઘમહેર! લખપતમાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ, ૯ ડેમો છલકાયા

ભુજ: ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે અનેક જિલ્લામાં વરસાદ પડ્યો હતો. સાંજે 8 વાગ્યા સુધીમાં રાજ્યના ૬૭ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જો કે આજે સૌથી વધુ વરસાદ સરહદી જિલ્લા કચ્છમાં પડ્યો હતો. ભુજ, અંજાર, નખત્રાણા, લખપત સહીત કચ્છના મોટાભાગના તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. કચ્છમાં પડી રહેલા ભારે વરસાદને પગલે તંત્ર પણ પણ એલર્ટ થઇ ગયું હતું.
લખપતમાં સૌથી વધુ 5.55 ઇંચ વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર, રાજ્યમાં સાંજે 8 વાગ્યા સુધીના ૬૭ તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી લખપતમાં સૌથી વધુ 5.55 ઇંચ, રાપરમાં 4.76 ઇંચ, ભચાઉમાં 4.13 ઇંચ, નખત્રાણામાં 3.૮૬ ઇંચ, ગાંધીધામમાં 3.74 ઇંચ, ભુજમાં 3.39 ઇંચ, અંજારમાં 2.95 ઇંચ અને અબડાસામાં 2.2 ઇંચ વરસાદ નોંધાયો હતો. તે ઉપરાંત માંડવીમાં 1.5 ઇંચ, મુંદરામાં 1.34 ઇંચ વરસાદ પડ્યો હતો.
જિલ્લા વહીવટીતંત્ર પણ સાબદું

કચ્છમાં ભારે વરસાદ વચ્ચે જિલ્લા વહીવટીતંત્ર પણ સાબદું થઇ ગયું હતું અને જિલ્લાના નદી, નાળા, ડેમ સહિતના ભયજનક સ્થળોએ વરસતા વરસાદ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. નીચાણવાળા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરીને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. જોખમી રસ્તા-રોડને પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. સમગ્ર જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને નાગરિકોની સહાયતા માટે કલેક્ટર કચેરીમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો હતો.
ટપ્પર ડેમના 7 દરવાજા ખોલાયા
ભુજમાં બે દિવસથી પડી રહેલા વરસાદ વચ્ચે શહેરના હ્યદય સમાન હમીરસર તળાવમાં ફરી નવા નીરની આવક થઇ હતી અને હમીરસર તળાવ ઓગની જતા ભુજ શહેરમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. ભારે વરસાદના પગલે દયાપર , લખપત રોડ પાપડી રસ્તો બંધ પોલીસે સુરક્ષાના કારણે બંધ કરાવ્યો હતો. આ દરમિયાન કચ્છના અંજાર તાલુકામાં આવેલા ટપ્પર ડેમના 7 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ઉપરાંત અંજાર તાલુકાના ટપ્પર, પશુડા, ભીમાસર તથા ભચાઉ તાલુકાના ચીરઈ નાની અને ચીરઈ મોટી ગામના લોકોને નીચાણવાળા વિસ્તારમાં અવરજવર નહીં કરવા તેમજ સતર્ક રહેવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુચના આપવામાં આવી હતી.

જિલ્લાના ૯ ડેમો સંપૂર્ણ ભરાયા

તે ઉપરાંત ભારે વરસાદના લીધે કચ્છમાં આવેલ મધ્યમ સિંચાઇ યોજના હેઠળના કૂલ ૯ ડેમો સંપૂર્ણ ભરાય ગયા છે. આથી આ ડેમોના નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામોના નાગરિકોને સતર્ક રહેવા માટે સુચના આપવામાં આવી છે. આ 9 જળાશયોમાં રાપર તાલુકામાં આવેલ ફતેહગઢ સિંચાઈ યોજના અને સુવઈ સિંચાઈ યોજના, ભુજ તાલુકામાં આવેલ કાયલા સિંચાઈ યોજના, મુંદરા તાલુકામાં આવેલ કાલાઘોઘા સિંચાઈ યોજના, અબડાસા તાલુકામાં આવેલ કંકાવટી, બેરાચિયા અને મીટ્ટી સિંચાઈ યોજના, નખત્રાણા તાલુકામાં આવેલ નિરોણા સિંચાઈ યોજના અને માંડવી તાલુકામાં આવેલ ડોણ સિંચાઈ યોજનાનો સમાવેશ થાય છે.