કચ્છ

સામખિયાળી: કંપનીમાં ઉકળતું મેટલ પડતા બે કામદારોના મોત…

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજઃ પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાનાં સામખિયાળી નજીક આવેલી જાણીતી ગેલન્ટ ઇસ્પાત કંપનીના એકમમાં ધગધગતું મેટલ ઉકળીને ત્રણ કામદારો પર પડતાં દાઝી ગયેલા પૈકી જનરલ મેનેજર ધર્મેન્દ્રસિંહ નરસિંહપ્રસાદસિંહ (ઉ.વ.૪૯) તથા શ્રમિક નરેન્દ્રસિંહ નારાયણ યાદવ (ઉ.વ.૩૭)ના મોત થતાં ફરી એકવાર કચ્છમાં સ્થાયી થયેલા સેંકડો ઔદ્યોગિક એકમોમાં શ્રમિકોની સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, કચ્છ-સૌરાષ્ટ્રને જોડતા સામખિયાળી નજીક આવેલી ગેલન્ટ ઇસ્પાત કંપનીના એકમમાં ગત તા. ૧૬-૧૧ના રોજ આ દુર્ઘટના ઘટી હતી જેમાં એક બોક્સમાં ગરમ કરવામાં આવેલાં મેટલનું તાપમાન માપવા માટે ગરમ મેટલ સાથેનું બોક્સ નીચે ઉતારવામાં આવ્યું એ વેળાએ ત્યાં રહેલા જનરલ મેનેજર ધર્મેન્દ્રસિંહ, શ્રમિક નરેન્દ્રસિંહ તથા અન્ય એક શ્રમિક હાજર હતા. આ બોક્સમાંથી ઉકળતું મેટલ ઉછળીને તેમના પર પડતાં ત્રણેય જણ ગંભીર રીતે દાઝી ગયા હતા.

દાઝી જનારા આ કર્મીઓને પ્રથમ આદિપુરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન જનરલ મેનેજર ધર્મેન્દ્રસિંહએ છેલ્લા શ્વાસ લીધા હતા. બાદમાં શ્રમિક નરેન્દ્રસિંહએ પણ દમ તોડી દીધો હતો. આ બનાવમાં કંપનીની બેદરકારી છે કે પછી અકસ્માતે આ દુર્ઘટના બની હતી તે જાણવા ભચાઉ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button