કચ્છમાં ફરી વૃદ્ધ દંપતી બન્યુ ડિજિટલ અરેસ્ટનું શિકારઃ ત્રણ દિવસ સુધી બાનમાં રાખ્યા

ભુજઃ ડિજિટલ એરેસ્ટ’ નામની નવી બલા અંગે ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહીત દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓ ચિંતા વ્યક્ત કરી ચૂકી છે. અખબારોમાં પણ અહેવાલો આવે છે અને મોબાઈલની કૉલર ટ્યૂન પહેલા પણ લોકોને સતર્ક કરવાની કોશિશ થઈ રહી છે. તેમ છતાં કચ્છનું વૃદ્ધ દંપતી આનો શિકાર બન્યું છે. તેવામાં દિલ્હી પોલીસનો હવાલો આપીને અંજારની બિલેશ્વર સોસાયટીમાં રહેતા ૭૫ વર્ષિય શાંતિલાલ શિવજીભાઈ રાઠોડ અને તેમના પત્નીને સતત ત્રણ દિવસ સુધી ડિજિટલ અરેસ્ટના નામે ટોર્ચર કરીને સાયબર ઠગોએ ૩૬.૫૦ લાખ રૂપિયા પડાવી લીધાં છે.
ધનબાદમાં કોલસાની ખાણમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવીને ત્રણ દાયકાથી નિવૃત્તિ જીવન ગાળતા શાંતિલાલે સાયબર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સૌપ્રથમ ગત ૩૦-૧૧-૨૦૨૪ના રોજ તેમને મોબાઈલ પર દિલ્હી પોલીસ ડીપાર્ટમેન્ટ તરફથી એસએમએસ અને વીડિયો કૉલ આવ્યો હતો જેમાં પોલીસ યુનિફોર્મ પહેરીને કોઈ કચેરીમાં બેઠો હોય તેવો શખ્સ દેખાતો હતો. પોલીસ યુનિફોર્મમાં બેઠેલાં ઠગે કરડાકીભર્યા અવાજમાં ‘તમારું નામ મની લોન્ડરીંગ તથા ડ્રગ ટ્રાફિકીંગના કેસમાં છે, તમારા બેન્ક ખાતામાં નાણાંની લેવડદેવડ થયેલી છે, તપાસ પૂછપરછ ચાલું છે, તમે બધું સાચેસાચું કહી દેજો, તમે મોટી ઉંમરના છો એટલે અમે તમને મદદ કરશું, કહી અડધો કલાક સુધી વાતો કરીને તેમને ડરાવ્યાં-ધમકાવ્યા હતાં.
ત્યારબાદ ‘સીબીઆઈ’ લખેલાં અશોકસ્થંભવાળા લેટરપેડ પર કેસની વિગતો સાથે નીચે સુનિલ ગૌતમ નામના આઇપીએસ ઑફિસરની સહી સાથેનો એક લેટરપેડ મોકલાવાયો હતો. ગઠિયાઓએ તેમની એક દીકરી મુંબઈ રહેતી હોવાનું અને એક પુત્ર અમેરિકા રહેતો હોવાની જાણ હોવાનું કહીને તમારી બધી માહિતી અમારી પાસે છે, તેમને પણ તકલીફ થશે કહીને વધુ ડરાવ્યાં હતાં. ઘરે બીજું કોઈ આવે તો આ અંગે કશી વાત ના કરતાં અને દર અડધા કલાકે તમે સેફ છો તેવો મેસેજ મોકલતાં રહેજો કહીને ડિજિટલ અરેસ્ટ કર્યાં હતાં. ગઠિયાઓની સૂચના મુજબ શાંતિલાલે પત્ની સાથે અંજારની બેન્કમાં જઈ તેમના ખાતામાંથી ૩૬.૫૦ લાખ રૂપિયા દિલ્હીની જહાંગીરપૂરા બ્રાન્ચના ખાતામાં આરટીજીએસ મારફતે ટ્રાન્સફર કર્યાં હતાં. ગઠિયાઓએ તપાસ પૂરી થયાં પછી રૂપિયા પાછાં મળી જશે તેવો વાયદો કર્યો હતો.
Also read: કચ્છમાં વિવિધ બનાવોમાં છ બની ગયા કાળનો કોળિયો…
ચોથી ડિસેમ્બર બાદ ગઠિયાઓનો કોઈ ફોન આવ્યો નહોતો અને તેમણે રૂપિયા ક્યારે પાછાં મળશે તેવો મેસેજ મોકલતાં કોઈ પ્રત્યુત્તર મળ્યો નહોતો. પોતાની સાથે સાયબર ફ્રોડ થયું હોવાનું સમજાતાં તેમણે સાયબર ક્રાઈમ હેલ્પલાઈનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને આરોપીઓને ટ્રેસ કરીને દબોચી લેવા તજવીજ હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે, આવા ઓનલાઈન છેતરપિંડીના બનાવમાં નાણાં જેના ખાતામાં ગયા હોય અને ત્યાંથી અનેક ઉથલપાથલ થાય તે પૂર્વે જ વહેલી તકે સાયબર ક્રાઈમ સેલનો સંપર્ક કરવામાં આવે તો નાણાં પરત મળવાની સંભાવના વધી જાય છે.