
ભુજઃ સીસ્મિક રેડ ઝોનમાં આવેલા કચ્છમાં રવિવારે છ કલાકના સમયગાળામાં એક સાથે ભૂકંપના બે આંચકાઓ અનુભવાતાં સમગ્ર જિલ્લામાં ફફડાટ ફેલાયો છે. વળી મહત્વની વાત એ છે કે, આ બંને ભૂકંપના આંચકાઓ અલગ અલગ ફોલ્ટ-લાઇનમાં અનુભવાયા છે.
સત્તાવાર મળતી વિગતો પ્રમાણે, આજે બપોરે ૧૨ અને ૪૧ મિનિટે રિક્ટર સ્કેલ પર ૩.૧ની તીવ્રતાવાળા ધરતીકંપે હાજરી પૂરાવતાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પૂર્વ કચ્છના ભચાઉથી ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં ૧૨ કિલોમીટરના અંતરે આવેલું હતું.
આ પૂર્વે ૨.૬ની તીવ્રતાવાળું ધરતીકંપનું એક હળવું કંપન પણ અનુભવાયું હતું જેનું એપિસેન્ટર હેરિટેજ પ્રવાસધામ ધોળાવીરાથી ૨૪ કિલોમીટર દૂર હોવાનું જણાવાયું છે. ભૂકંપનો આ હળવો આંચકો આજે સવારે ૬ અને ૪૧ મિનિટે અનુભવાયો હતો.
ઉલ્લેખનીય છે કે, આજે અનુભવાયેલા ભૂકંપના બંને આંચકાઓના કેન્દ્રબિંદુ ભૂગર્ભમાં પ્રમાણમાં સપાટીથી ખુબ નજીક હોઈ, ધોળાવીરા નજીક અનુભવાયેલો આંચકો છેક પાકિસ્તાનના થરપાકરના વિસ્તારમાં અનુભવી શકાયો હતો કારણ કે આ આંચકો જમીનથી માત્ર ૬.૭ કિલોમીટર ઊંડે ઉદભવ્યો હતો.
જયારે બપોરે ભચાઉ નજીક આવેલો ૩.૧ની તીવ્રતાનો આંચકો જમીનથી ૧૮.૫ કિલોમીટર ઊંડે ઉદ્દભવતાં તેની અસર કચ્છના ભચાઉ ઉપરાંત આધોઇ, વાંઢિયા, જંગીથી શરૂ કરીને સુરાજબારી પુલની સામેપારના માળીયા-મિયાણા અને મોરબી પંથકમાં પણ અનુભવાયો હોવાનું જાણવા મળે છે.
કચ્છમાં ભૂકંપના બે આંચકા આવ્યા હોવાની વાત વાયુવેગે ફેલાતાં કચ્છના માતાના મઢ તરફ આવી રહેલા પદયાત્રીઓમાં પણ ગભરાટ ફેલાયેલો જોવા મળ્યો હતો. જો કે આજના ભૂકંપના બે આંચકાઓને લઈને કોઈ જાનમાલને નુકશાની થયાના અહેવાલો પ્રાપ્ત થતા નથી.
ઉલ્લેખનીય છે કે, કચ્છ ‘વેરી હાઈ રિસ્ક’ સીસ્મિક ઝોન’માં આવેલો પ્રદેશ છે અને અહીં અવારનવાર ભૂકંપના આંચકાઓ આવતા રહે છે. કચ્છમાં ૨૦૦૧માં નોંધાયેલો વિનાશકારી ભૂકંપ ભારતમાં છેલ્લા ૨૦૦ વર્ષમાં આવેલો ત્રીજો સૌથી ભયાવહ મોટો ભૂકંપ હતો જેમાં સંખ્યાબંધ લોકોના મોત થયા હતાં. એવું માનવામાં આવે છે કે, પૂનમ અને અમાસના દિવસોમાં ભૂકંપ આવવાની સંભાવના સૌથી વધુ રહે છે.
આજે એક તરફ ભાદ્રપદા અમાવ્સ્યા હોઈ અને સૂર્યગ્રહણનો દિવસ પણ હોઈ, આજના બે આંચકાઓએ જાણે આ વાતને સમર્થન આપ્યું છે.
આ પણ વાંચો…મ્યાનમારમાં ફરી 7.7ની તીવ્રતાનો ભુકંપઃ કચ્છમાં પણ અનુભવાયો ઝટકો