કચ્છમાં શિક્ષણ કથળ્યું: 4720 શિક્ષકોની ઘટ, 11 શાળાઓ તો શિક્ષક વિહોણી!

ભુજ: કચ્છ જિલ્લામાં શિક્ષણની સ્થિતિ દયનિય બની છે, કચ્છમાં શિક્ષકોની ભારે ઘટથી વિદ્યાર્થીઓના ભણતર પર અસર થઈ રહી છે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે, પરંતુ કચ્છમાં આજે પણ 4720 જેટલા શિક્ષકોની ઘટ છે. કચ્છની શાળાઓમાં શિક્ષકોની ઘટ વાલીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. સરકારે કચ્છ જિલ્લા માટે શિક્ષકોની સ્પેશ્યલ ભરતીની જાહેરાત કરી છે. અને તેની કામગીરી ચાલી રહી છે. પરંતુ હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી, શિક્ષકોની ભરતી માટે ગ્રહણ બની છે.
જિલ્લા ફેરબદલીમાં અનેક શિક્ષકોએ કચ્છ છોડ્યું
સ્પેશ્યિલ ભરતીથી કચ્છમાં ધોરણ 1થી 8 માટે 4100 શિક્ષઓની ભરતી થવાની છે. પરંતુ ભરતી થાય તે પહેલા જ જિલ્લા ફેરબદલીમાં 2035 જેટલા શિક્ષકોએ કચ્છ જિલ્લામાંથી બીજા જિલ્લામાં જાવા માટે બદલી કરાવી લીધી છે. જેમાંથી 988 શિક્ષકોને છૂટા કરી દેવાયા છે. જ્યારે બાકીના 1135 શિક્ષકોને મહેકમ ન હોવાના કારણે હજુ છુટા કરાયા નથી.
કચ્છની 11 શાળાઓમાં કોઈ શિક્ષક જ નથી
જો કે સૌથી આઘાતજનક બાબત તો એ છે કે, કચ્છની 11 શાળાઓ તો એવી છે જ્યાં કોઈ શિક્ષક જ નથી. આ શાળાઓમાં હાલ કોઈ સ્થાયી શિક્ષિક નથી પણ અન્ય શાળાઓના શિક્ષકો વ્યવસ્થાના ભાગરૂપે અહીં બાળકોને અભ્યાસ કરવા માટે આવે છે. તો ધોરણ 1થી 8ની 51 એવી શાળાઓ છે. જેમાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે.