
ભુજ: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ભુજ શહેરમાં લાલન કોલેજ ગ્રાઉન્ડ પરથી જીલ્લાના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સીએમ ભુપેન્દ્ર પટેલે 680 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે. તેમણે આ પ્રસંગે જણાવ્યું કે કચ્છ જિલ્લો આયોજનપૂર્વકના વિકાસ સાથે આગળ વધી રહ્યો છે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે બમણી સુવિધાઓ કચ્છને ઉપલબ્ધ કરાવી છે. ગાંધીધામ મહાનગરપાલિકાના દરજ્જાથી વિકાસની ગતિને વધુ વેગ મળશે.
નાગરિકો માટે પરિવહન સુગમ બનશે
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભૂજ, અંજાર, અબડાસા, માંડવી અને રાપરના વિસ્તારોને રૂપિયા 503 કરોડથી વધુ રકમના કાર્યોથી વિકાસની નવી દિશા મળશે. કચ્છ જિલ્લાના શહેરોને જોડતા આંતરિક રસ્તાઓના મજબૂતીકરણ અને નવીનીકરણથી પ્રવાસનને વેગ, નાગરિકો માટે પરિવહન સુગમ બનશે .
સ્થાનિક રોજગારીની અનેક તકો ઊભી થઈ
વિશ્વનો સૌથી મોટો હાઈબ્રિડ રિન્યૂઅલ એનર્જી પાર્ક કચ્છમાં આકાર પામી રહ્યો છે તે ગુજરાતને રિન્યૂએબલ એનર્જીનું હબ બનાવશે. ધોરડો રણોત્સવના કારણે “ઈન્ટરનેશનલ ટૂરિઝમ ડેસ્ટિનેશન” બન્યું છે. ધોરડોના સફેદ રણને દુનિયાના “બેસ્ટ ટુરિઝમ વિલેજ” તરીકે સ્થાન મળ્યું છે. કચ્છમાં ઉદ્યોગો અને પ્રવાસન વિકાસના કારણે સ્થાનિક રોજગારીની અનેક તકો ઊભી થઈ છે.

કચ્છને ઔદ્યોગિક રોકાણને નવું બળ મળશે
આ ઉપરાંત વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસનો પ્રારંભ કરાયો છે. ગુજરાતમાં ચાર રિજનલ કોન્ફરન્સિસનું આયોજન કરાયું છે. આગામી જાન્યુઆરીમાં સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશની રિજનલ કોન્ફરન્સ રાજકોટમાં યોજાશે અને તેના કારણે કચ્છને ઔદ્યોગિક રોકાણને નવું બળ મળશે.
લોકાર્પણ અને ખાતમૂહુર્ત થવાથી આંતરિક રસ્તાઓનું નવીનીકરણ થશે
ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લામાં આજે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત થવાથી આંતરિક રસ્તાઓનું નવીનીકરણ થશે. જેમાં મુખ્યમંત્રી એ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા 393. 39 કરોડના 23 કામોનું ખાતમૂહુર્ત, વન વિભાગના રૂપિયા 260 કરોડના છારી ઢંઢ અને પડાલા મેન્ગ્રુવ લર્નિંગ સેન્ટરના વિકાસકામનું લોકાર્પણ, સિંચાઈ વિભાગ દ્વારા રૂપિયા 6 કરોડથી વધુના ખર્ચે કચ્છના વિવિધ ગામના તળાવ સુધારણાના કામોનું ખાતમૂહુર્ત કર્યું છે.

નવીન માધ્યમિક શાળાનું લોકાર્પણ
આ ઉપરાંત શિક્ષણ વિભાગ દ્વારા કચ્છના ગુનેરી ખાતે રૂપિયા 3.19 કરોડના ખર્ચે નવીન માધ્યમિક શાળાનું લોકાર્પણ, જીએસઆરડીસી દ્વારા રૂપિયા 42.50 કરોડના ખર્ચે ભુજ-મુન્દ્રા રોડ અને રૂપિયા 19.72 કરોડના ખર્ચે ભુજ-નખત્રાણા રોડના મજબૂતીકરણ અને રિસર્ફેસિંગના કામનું ખાતમૂહુર્ત અને માર્ગ અને મકાન પંચાયત વિભાગના રૂપિયા 26.52 કરોડના ખર્ચે વિવિધ રોડના રિસર્ફેસિંગ કામોની ભેટ આપી હતી.
આ પણ વાંચો…કચ્છના ઇકોનોમિક કેપિટલ ગાંધીધામને સરકારની ભેટ: રૂ. ૧૭૬ કરોડના વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત



