કચ્છના રણમાં હજારો વર્ષ પૂર્વે ભરતીના પાણી હોવાની થઈ પુષ્ટિ
ત્રણ હજાર વર્ષ પુરાણા જળ પ્લાવિત વિસ્તારમાં રહેતા પક્ષીના પગલાંના નિશાન ખોળી કાઢ્યા

ભુજ: અનેક જૈવિક વિવિધતા ધરાવતા ભાતીગળ પ્રદેશ કચ્છના મોટા રણમાં છેલ્લા એક વર્ષથી ચાલી રહેલાં સંશોધનાત્મક ખોદકામ દરમિયાન વૈજ્ઞાનિકોને આશરે ૩૦૦૦ વર્ષ જૂના શોરબર્ડ નામના પક્ષીના પગલાંના નિશાન મળી આવ્યાં હતા. ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય ભૂમિ સરહદ નજીક આવેલા રણ વિસ્તારમાં ભૂસ્તરશાસ્ત્રીઓ દ્વારા સંશોધન હાથ ધર્યું હતું. જેમાં ધ ગ્રેટ અલ્લાહ બંધ પાસેના કરીમ શાહી વિસ્તારમાંથી સામાન્ય રીતે નદી કિનારે જોવા મળતાં પક્ષીના પગના નિશાન મળી આવ્યા હતા.

આ અંગે ભુજ સ્થિત આર.આર લાલન કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર દર્શિત પડિયાએ જણાવ્યું હતું કે, ‘પક્ષીઓની છાપ કાંપના સ્તરથી ઘણી નીચે હતી. નજીકમાં આશરે ૨૦ કિલોમીટર દૂર જળાશય આવેલું છે. હજારો વર્ષ પહેલા અહીંથી દરિયાની ભરતીના પાણી નીચા ગયા હોવાની શક્યતા છે.’આમ પણ કચ્છના રણની મુરુ ભૂમિમાંથી દરિયાની સપાટી પર જોવા મળતી વનસ્પતિના અવશેષો મળતા જ રહે છે.
આ પણ વાંચો: કચ્છમાં ફરી બની આવી ઘટનાઃ હવે વિસ્ફોટક લાડુ મોઢામાં ફાટતાં ભેંસ થઈ લોહીલુહાણ
વર્ષ ‘૧૮૧૯ના મહા ભૂંકપથી નિર્મિત થયેલા અલ્લાહ બંધ પાસેના કરીમ શાહી વિસ્તારમાં આ પક્ષીઓના નિશાન મળી આવ્યા છે.’ બંજર રણ વિસ્તારમાં હજારો વર્ષ અગાઉ પાણી હતાં એ બાબત આ શોધથી ઉજાગર થઇ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના જાણીતા ભૂસ્તરશાસ્ત્રીઓ દર્શિત પડિયા, ભવાનીસિંહ દેસાઈ, સુરુચિ ચૌહાણ અને બાબુલાલ વાઘેલા દ્વારા તાજેતરમાં નેચર પબ્લિકેશનમાં ‘ડિસ્કવરી ઓફ ફોસિલ એવિયન ફૂટપ્રિન્ટ્સ ફ્રોમ લેટ હોલોસીન સેડિમેન્ટ્સ ઓફ અલ્લાહ બંડ અપલિફ્ટ ઇન ગ્રેટ રણ ઓફ કચ્છ ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા’ શીર્ષક હેઠળ આ સંશોધનનો વિસ્તૃત અહેવાલ પ્રકાશિત થયો હતો.