કચ્છમાં અપમૃત્યુનો સિલસિલો યથાવતઃ ત્રણ જણે જીવ ખોયા

ભુજઃ સરહદી જિલ્લા કચ્છમાં વીક-એન્ડ દરમ્યાન સામે આવેલા અપમૃત્યુના વિવિધ બનાવોમાં એક ખેડૂત સહીત ત્રણ લોકોના અકાળે મોત થતાં પંથકમાં અરેરાટી વ્યાપી છે.
નખત્રાણા તાલુકાના નિરોણા ડેમની કેનાલમાં મહેબૂબશા મામદશા સૈયદ નામના ૩૫ વર્ષીય ખેડૂતનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. અંજારની મકલેશ્વર ચોકડી પાસે બાવળની ઝાડીમાં અંદાજે ૩૦ એક વર્ષના અજાણ્યા યુવકે ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું, જયારે સીમાવર્તી રાપરના બામણસર નજીક એક અજાણ્યા આધેડનો ડી-કમ્પોઝ થઇ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક મહેબૂબશા ગત રાત્રે નિરોણા ડેમની કેનાલમાં ખેતી સંબંધિત પાણી વાળવા ગયો હતો જ્યાં અકસ્માતે પગ લપસતાં કેનાલમાં પડી જતાં ડૂબવાથી મૃત્યુ પામ્યો હતો.નિરોણા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Also read: કચ્છી ચોવક : શણગારો તો બાવળ પણ શોભે!
અન્ય અપમૃત્યુનો કિસ્સો અંજાર શહેરની ભાગોળે આવેલી મકલેશ્વર ચોકડી પાસે બહાર આવ્યો હતો જેમાં ગીચ બાવળની ઝાડીમાં અંદાજે ૩૦ વર્ષીય અજાણ્યા પુરુષે પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો ખાઇ પોતાના જીવનનો અંત આણ્યો હતો.આ હતભાગીની ઓળખ અને આપઘાત કર્યા પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.દરમ્યાન, રાપરના બામણસર ધોરીમાર્ગ નજીકથી અજાણ્યા આધેડની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતાં વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જામનગર મોકલાયો હોવાનું પોલીસે જણાવ્યું છે.