
ભુજઃ ઘણીવાર આપણે મોટા મોટા માણસોની પ્રેરણાદાયક વાર્તાઓ વાંચીએ છીએ, પરંતુ આપણી આસપાસ રહેતા લોકો પોતાના નાના લાગતા કામથી પણ આપણને પ્રેરિત કરતા હોય છે. આવા જ એક કચ્છી વૃદ્ધની વાત કરવાની છે. આ વૃદ્ધ છેલ્લા 16-17 વર્ષથી એકલા હાથે પોતાના ગામના તળાવોને સાફ રાખવાનો યજ્ઞ કરી રહ્યા છે. આ વૃદ્ધ ગામના સરપંચ રહી ચૂક્યા છે, તેઓ ભુજ તાલુકાના પટેલ ચોવીસીના ગામ નારાણપરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. માજી સરપંચ વિશ્રામ કુંવરજી વેકરિયાએ આ સેવાયજ્ઞ ચલાવ્યો છે.
ભુજ-માંડવી રાજ્ય ધોરીમાર્ગ પરના ખત્રી તળાવ અને માવજી તળાવ પર એટલો તો પ્રેમ છે કે તેઓ આજે ૭૬ વર્ષની વયે પણ,આ બંને તળાવોમાં પડેલો કચરો હાથથી તારવી તારવીને બહાર કાઢે છે. તેઓ કહે છે કે તળાવોમાં લોકોએ કચરો નાખવો જ ન જોઈએ.

વિશ્રામ ભાઈના જણાવ્યા પ્રમાણે તેઓ આ કામ છેલ્લાં ૨૪ વર્ષથી કરે છે. જે માટે તેઓ દરરોજ પોતાના ત્રણેક કલાક ફાળવે છે. નારણપરથી સ્કૂટર પર નીકળીને તેઓ પ્રથમ ખત્રી તળાવ પહોંચી જે જગ્યાએ તળાવમાં કચરો વધુ દેખાય તે જગ્યા પાસે બેસીને પોતાના હાથથી કચરો તારવી તારવીને બાહર કાઢે છે.
ત્યાર બાદ તેઓ ભારાસર રોડ પાસે આવેલી માવજી તલાવડી પાસે પહોંચે છે. તેમના જણાવ્યા પ્રમાણે બંને તળાવોમાંથી તેઓને વર્ષ દરમ્યાન રૂપિયા ૨,૦૦૦નું પરચુરણ ઉપરાંત તાંબાના વાસણો,મૂર્તિઓ તેમજ ક્યારેક ચાંદીની ધાતુ પણ મળે છે. આવી કિંમતી વસ્તુઓ વિશ્રામ ભાઈ નજીકના શિવ મંદિરને અર્પણ કરે છે. તેમના જણાવ્યા પ્રમાણે હાલ ખત્રી તળાવમાં તેમજ માવજી તલાવડીમાં પાંચેક જેટલા મગરોએ પોતાના અડ્ડા જમાવ્યા છે. તેઓ જયારે કચરો તારવે છે ત્યારે ઘણીવાર મગર દેખા દે છે પણ કોઈ નુકસાન હજુ સુધી થયું નથી.
આ વર્ષે અત્યાર સુધીના વરસાદથી ખત્રી તળાવ લગભગ છલકાઈ ગયું છે. આ તળાવ પ્રત્યે નારાણપર ગામને એટલો તો પ્રેમ છે કે, એક વાર જયારે સતત બે વર્ષના દુષ્કાળ બાદ આ તળાવ સૂકાઈ ગયું હતું ત્યારે છેક નારાણપર ગામની વાડીમાંથી પાઈપલાઈન વાટે પાણી ભરી ખત્રી તળાવને ભરી દેવાયું હતું. આ તળાવ સાડા ચારસો વર્ષ જૂનું છે અને ભુજ-માંડવી માર્ગ પર અવરજવર કરતા હિન્દુ ખત્રી લોકોએ આ તળાવનું નિર્માણ કર્યું હતું.
આજે જયારે તળાવો છલકાય છે ત્યારે તળાવો વધાવવાની રાજકીય અગ્રણીઓ અને પદાધિકારીઓ વચ્ચે રીતસરની હોડ થાય છે, ત્યારે નારણપરના આ પૂર્વ સરપંચ વયોવૃદ્ધ વિશ્રામભાઈનો તળાવ પ્રત્યેનો પ્રેમ અને સ્વચ્છતા માટેની કટિબદ્ધતા સૌકોઈ માટે ઉદાહરણીય છે.