કચ્છમાં દુબઈ કરતા વધુ ગરમીઃ ભુજ દેશનું સૌથી ગરમ મથક…

ભુજઃ ભીષણ ગરમીના હાલ વર્તાઈ રહેલા મોજાં વચ્ચે રણપ્રદેશ કચ્છમાં ચૈત્ર માસના પ્રખર તાપે જનજીવનને બાનમાં લીધું છે. સૂર્યમાં એટલો તાપ છે કે, કચ્છમાં જાણે ઇજિપ્ત,અલ્જેરિયા,સાઉદી અરેબિયાના દેશો જેવી ગરમી અનુભવાઈ રહી છે. ચૈત્રી નવરાત્રીની દુર્ગાષ્ટમીના સપરમા દિવસે કિલ્લેબંધ શહેર ભુજ ૪૪.૫ ડિગ્રી સેલ્સિયસ જેટલા મહત્તમ તાપમાન સાથે દેશનું સૌથી ગરમ મથક બન્યું છે.
વાતાવરણમાંથી ભેજ અદ્રશ્ય થતાં અને ૨૨ કિલોમીટર પ્રતિ કલાકે ઉત્તર-પશ્ચિમ દિશાએથી વાઈ રહેલા ગરમ પવનોને કારણે 44 ને બદલે 48 ડિગ્રી જેટલી ગરમી અનુભવાઈ રહી છે. આજે ભુજનું તાપમાન સાઉદી અરેબિયાના અબુધાબી, કુવેત, મલેશિયાના ક્વાલાલંપુર, ઇન્ડોનેશિયાના જકાર્તા, દુબઇ અને હોંગકોંગ કરતાં પણ ઊંચું રહેવા પામ્યું છે. હજુ ચૈત્ર મહિનાને એક પખવાડિયાનો સમય બાકી છે અને આખો એપ્રિલ અને મે મહિનો બાકી છે ત્યારે કચ્છનો તાપમાનનો પારો ક્યા જઈ અટકશે તે જોવાનું રહ્યું.
પાકિસ્તાનની ભૂમિસીમા નજીકના વાગડથી લઈ કોટેશ્વર સુધી ગરમ વાયરા ફુંકાતા જનજીવન તોબા પોકારી ઊઠયું છે. કંડલા(એ) કેન્દ્રમાં મહત્તમ તાપમાન ૪૨.ડિગ્રીએ પહોંચતા અંજાર-ગાંધીધામ વિસ્તાર ગરમીમાં શેકાયા હતા અને સવાર પડવાની સાથે જ આભમાંથી અગનજવાળા વરસવાનું શરૂ થઈ ગયું હતું. કંડલા પોર્ટમાં ૪૧ અને નલિયામાં ૪૦ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. લઘુતમ પારો ૨૭ ડિગ્રી જેટલો ઊંચો રહેતા ઉકળાટનો દોર યથાવત રહ્યો હતો. રણકાંધીના રાપરમાં ૪૩ જયારે ખાવડામાં ૪૨ ડિગ્રી તાપમાને ગરમીનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પવનોની દિશા બંગાળની ખાડીમાં સર્જાયેલા હવાના દબાણને કારણે પલટાઈ છે જેને કારણે આકરી ગરમીએ જનજીવનને બાનમાં લીધું છે અને આગામી એક સપ્તાહ સુધી આકરી ગરમીનો દોર યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
દરમ્યાન, ભુજના એક જાણીતા બાળરોગ નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે કચ્છમાં હાલે વિચિત્ર પ્રકારના તાવના કિસ્સાઓ નોંધાઈ રહ્યા છે ત્યારે આવી પ્રખર ગરમીથી નાકમાંથી રક્તસ્ત્રાવ થવાની ઘટનાઓ પણ વધી રહી છે. જો એકાદ ઝાપટું થાય તો જ લોકોને ગરમીમાંથી રાહત મળવાની સંભાવના ઉભી થશે બાકી આ ગરમી લોકોને તોબા પોકારાવશે એ વાત નક્કી છે.