કચ્છની હવા ઝેરીઃ ભુજમાં અઠવાડિયે 20 સિગારેટ જેટલું નુકસાન…

ભુજઃ દેશના પાટનગર દિલ્હી અને નોઈડામાં સતત વધતા જતા પ્રદુષણને લઈને ખતરાની ચર્ચા તો થાય છે પરંતુ ધીમે ધીમે આ ખતરનાક પ્રદુષણની નાગચૂડ દેશના અન્ય પ્રમાણમાં ઓછાં પ્રદુષિત ગણાતાં અંતરિયાળ વિસ્તારો સુધી ફેલાઈ રહી છે અને પરિસ્થિતિ એવી ઉભી થઈ છે કે ગુજરાતના ભુજમાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ ધીમે-ધીમે ખરાબ થઇ રહ્યો છે અને કોઈને સિગારેટ પીવાની આદત હોય કે ના હોય, હવા, ફરજીયાત રીતે અઠવાડિયાની ૨૦ સિગારેટ અબાલ-વૃદ્ધ સૌને પીવડાવે છે.
મળતી સત્તાવાર વિગતો પ્રમાણે ડિસેમ્બર મહિના દરમ્યાન ભુજનો ‘એર ક્વોલિટી ઇન્ડેક્સ’ ૧૮૪ થી કરીને ૧૫૧ સુધીનો રહેવા પામ્યો છે, જે અનહેલ્ધી કહી શકાય. છેલ્લા પાંચ વર્ષમાં ભુજનો એર ક્વોલિટી ઇન્ડેક્સ ક્રમશ ૮ % જેટલો વધુ ખરાબ થયો હોવાનું સૂત્રો જણાવે છે.
ઉલ્લેખનીય છે કે, ૦ થી ૫૦ સુધીનો એકયુઆઈ સારો ગણાવાયો છે જયારે ૧૦૧થી ૧૫૦ સુધીનો એકયુઆઈ ખરાબ ગણાય છે. તો ૧૫૧થી ૨૦૦ સુધીનો એકયુઆઈ ‘અનહેલ્ધી’ શ્રેણીમાં વર્ગીકૃત કરાયો છે, જયારે ૩૦૧થી વધુના એકયુઆઈને અત્યંત ‘હેઝાર્ડઝ’ વર્ગીકૃત કરાયો છે. કચ્છમાં અત્યારસુધીનો સૌથી ખરાબ એકયુઆઈ ચાલુ મહિનાની બીજી તારીખે ૧૮૭ નોંધાયો હતો જયારે સૌથી નીચો એકયુઆઈ, એટલે કે આરોગ્યપ્રદ એકયુઆઈ આજથી ચાર વર્ષ પહેલાં ૧૯મી ડિસેમ્બર, ૨૦૨૧ના ૪૪ જેટલો નોંધાયો હતો. જો આજની વાત કરીએ તો ભુજમાં વહેલી સવારે સાત વાગ્યે સૌથી ખરાબ ૧૬૩ પોઇન્ટ જેટલો એકયુઆઈ નોંધાયો હતો.
ચિંતાની વાત એ છે કે, બેંગ્લોર,મદ્રાસ કરતાં પણ ભુજનો એકયુઆઈ વધુ રહેવા પામ્યો છે. જો ભુજની પરિસ્થિતિ આવી હોય તો રાજ્યના અન્ય ઔદ્યોગિક વિસ્તારો ખાસ કરીને વાપી અને અંકલેશ્વરમાં હવાની ગુણવત્તાનો આંક કેવો હશે તેની કલ્પના કરવાની રહે છે. જો આ વિસ્તારમાં રહેતા હો તો તમારે ફાળે અઠવાડિયાની ૨૫ સિગરેટ ફૂંકવાનો વારો આવે છે.જયારે સૌથી પ્રદુષિત ગણાતાં નોઈડાની હવાની ગુણવત્તાનો આંક ૩૯૦નો રહે છે અને આ વિસ્તારમાં રહેતા ‘નોન-સ્મોકર્સ’ને પણ અઠવાડિયાની ૧૦૮ જેટલી સિગરેટ ફૂંકવી પડે છે!. આ પરિસ્થિતિ ખતરનાક છે અને આને લઈને ફેફસાંજન્ય બીમારીઓ વધી રહી છે. ઈશુનું ૨૦૨૫નું વર્ષ જયારે વિદાય લઇ રહ્યું છે ત્યારે બિન આરોગ્યપ્રદ થઇ રહેલી હવાનું સંકટ માનવજાત સમક્ષ મૂકીને તે જઈ રહ્યું છે.
કચ્છના જાણીતા તબીબ ડો.ઋત્વિજ અંજારિયાના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં બિન આરોગ્યપ્રદ હવાની આફત હવે કચ્છ માટે પણ ગંભીર પડકાર બની રહેશે અને તેમના સામના માટે ઘરોમાં એર પ્યુરિફાયર ન છૂટકે ગોઠવવાં પડશે તેમજ એન-૯૫ પ્રકારનો માસ્ક બહાર જતી વખતે પહેરવો જરૂરી બની રહેશે. જિલ્લામાં આ વર્ષે વધેલા શરદી-ફ્લૂના દર્દ આ ઉપરાંત દમ, ન્યુમોનિયા અને ફેફસાંના કેન્સરના દર્દીઓની સંખ્યામાં થતો વધારો પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે. તેમણે આઉટડોર કસરતો કરતી વેળાએ ફરજીયાત માસ્ક પહેરવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. મોટાભાગના લોકો માસ્કને મજાકનો વિષય બનાવતા હોય છે પણ આ માનસિકતા ખતરનાક હોવાનું તેમણે ઉમેર્યું હતું.
કચ્છમાં ઠંડીનું પોષ મહિનામાં પણ ગાયબ થવું પણ આ બદલાતા જતા મૌસમી ચક્રવ્યુનો એક ભાગ છે. કચ્છના અન્ય વિસ્તારોમાં પણ હવાનો ગુણવતા આંક બિન આરોગ્યપ્રદ જ રહેવા પામ્યો છે. ઔદ્યોગિક વિકાસની અસર હેઠળ કચ્છના મુંદરાનો હવાની ગુણવત્તાનો આંક ૧૮૯ જેટલો રહેવા પામ્યો છે. જયારે કંડલાની નજીક આવેલાં કિડાણા જેવાં નાનકડાં ગામનો હવાની ગુણવત્તાનો આંક ૨૪૮ જેટલો છે જે મુંદરાથી પણ વધુ હોવાનું જાણવા મળ્યું હતું.



