સમગ્ર કચ્છમાં આગામી ૧૫મી એપ્રિલથી સરકારી જમીનો પરના દબાણ હટાવાની મહાઝુંબેશ હાથ ધરાશે…

ભુજ: ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧માં સરહદી કચ્છને તારાજ કરી જનારા ભૂકંપ બાદ આ ભાતીગળ પ્રદેશની વિકાસની બાબતમાં થઇ રહેલી કાયાપલટ વચ્ચે હજારો એકર પારકી જમીનો પર દબાણ કરવાની પ્રવૃત્તિમાં સતત વધારો થઇ રહ્યો છે તેવામાં અચાનક જાગેલા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આગામી ૧૫મી એપ્રિલથી સમગ્ર કચ્છમાં દબાણો હટાવવા મહાઝુંબેશ શરૂ કરવામાં આવશે, તેમ જાણવા મળ્યું છે.
હાલમાં કેટલાક વારંવાર ગુના આચરતા રહેતા ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા માટે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા પગલાં લેવાઈ રહ્યાં છે તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ આ રણપ્રદેશમાં કિંમતી સરકારી જમીનો પર ખડકી દેવામાં આવેલાં ગેરકાયદેસર બાંધકામોની યાદી તૈયાર કરવામાં આવી છે જે અંતર્ગત આવા દબાણોને જમીનદોસ્ત કરી દેવા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવશે.
શહેરી વિસ્તારો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ દબાણકારોએ માજા મૂકી છે, ગૌ માતા માટેના વથાણ પણ કબજે કરી લેવામાં આવ્યા છે તો ચરિયાણ માટેની ગૌચર જમીનો પણ દબાણકારો દ્વારા દબાવી લેવામાં આવી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તબક્કાવાર રીતે દબાણો દૂર કરવામાં આવશે.
જે લોકોએ સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કર્યું હોય તે લોકોને સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા અપીલ પણ કરવામાં આવી છે અને જો દબાણો પોતાની રીતે દૂર નહીં કરવામાં આવે તો પોલીસને પણ સૂચિત કરવામાં આવ્યું છે કે તમામ દબાણો પૂરતા બંદોબસ્ત સાથે જમીનદોસ્ત કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.
આપણ વાંચો : બે લાખ ફોટોગ્રાફ્સમાં કચ્છના આ યુવકની તસવીરે મેળવ્યું બીજું સ્થાન