કચ્છમાં 24 કલાકમાં વિવિધ અકસ્માતમાં બેનાં મોત, એકને ટ્રકે કચડ્યો તો બીજાને લાગ્યો કરંટ…

ભુજઃ કચ્છમાં છેલ્લા 24 કલાકમાં બે અકસ્માતની ઘટના બની હતી, જેમાં બે લોકોના મોત થયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પહેલી ઘટનાની વાત કરવામાં આવે તો, ભુજ તાલુકાના લોરિયા ગામની ચેકપોસ્ટ નજીક આવેલા ઢાબા સુતેલા ઝુરાના 45 વર્ષીય હાસમ ઉમર સુમરા નામના યુવક ઉપર ટ્રક ફરી વળતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જયારે બીજી ઘટના સીમાવર્તી ખાવડાની કોટડા ચેકપોસ્ટ પાસે બની હતી. એક હાઇડ્રોલિક ટ્રેઇલર જીવંત વીજતારને અડકી જતાં 440 વોલ્ટનો વીજ કરંટ લાગતા 42 વર્ષીય વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. 42 વર્ષીય મૃતક મકબુલ ઉર્ફે બલુ ભૂરેખાન મૂળ બિહારનો હતો અને અત્યારે ગાંધીધામમાં રહેતો હતો.
ઢાબાની બહાર સૂતો વ્યક્તિને ટ્રકે મોતને ઘાટ ઉતાર્યો
આ સમગ્ર મામલે માધાપર પોલીસે વિગતો આપતા જણાવ્યું કે, ભુજના ઝુરાના ભાનુશાલીવાસમાં રહેનારો હાસમ સુમરા લોરિયા ચેકપોસ્ટ પાસે આવેલા જય બાબેરી ઢાબાની બહાર ખાટલા ઉપર સૂતો હતો. આ દરમિયાન વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં ત્યાં આવેલી ટ્રક (નંબર જીજે 12 બીઝેડ 2572) તેના પર ચડી હતી. જેથી ગંભીર ઈજાઓના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. માધાપર પોલીસે બેદરકારી દાખવનારા ટ્રકચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ખાવડા ખાતેની કોટડા ચેકપોસ્ટ પાસે બન્યો સમગ્ર બનાવ
બીજી ઘટના અંગે પોલીસે જણાવ્યું પ્રમાણે ગત મોડી સાંજના અરસામાં ખાવડા ખાતેની કોટડા ચેકપોસ્ટ પાસે અપમૃત્યુનો બનાવ બહાર આવ્યો હતો. જેમાં એક હાઇડ્રોલિક ટ્રેઇલર વીજ તારને અડકી જતાં અંદર રહેલા તેના ચાલક એવા મકબુલ ઉર્ફે બલુને જોરદાર વીજકરંટ લાગતાં તેનું તત્કાળ મોત થયું હતું. આ ઘટના સંદર્ભે ખાવડા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, માત્ર એક જ દિવસમાં કચ્છમાં બે વ્યક્તિના અકસ્માતે મોત થયાં છે.