કચ્છ

કંડલા એરપોર્ટની થશે કાયાપલટ, મોટા વિમાનો પણ ઉતરી શકશે, જાણો વિગત

(અમારા પ્રતિનિધિ તરફથી)

કંડલાઃ કંડલા વિમાની મથકમાં મોટા એરક્રાફ્ટ ઉતરાણ કરી શકે તે માટે હયાત રન-વેના વિસ્તરણ માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા ૧૮ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. રન-વે વિસ્તરણનું કાર્ય પૂર્ણ થવાથી કંડલા વિમાની મથકની ઓપરેશનલ ક્ષમતા વધશે અને કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામને પણ હવાઈ સેવાનો લાભ મળે તેવા ઉજળા સંજોગો ઉભા થઇ રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, કંડલા એરપોર્ટના રન-વેનાં રિસર્ફેસિંગ, રિકોટિંગ, વાઈડનિંગ અને રન-વેની લંબાઈ વધારવાના ૧૫૦ મીટરનાં કામને મંજૂરી આપવામાં આવી છે અને ૧૮ કરોડનો કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો છે. રન-વેની લંબાઈ આ વિસ્તરણ બાદ ૧૭૫૦ મીટર જેટલી થશે અને મોટાં કદના વિમાનો અહીં ઉતારવા શક્ય બનશે. રન-વે વધારવાની આવશ્યક્તા નિર્દેશિત કરવા માટે સ્થાનિક સ્તરે સર્વે અને મેસર્સ જેકોબ્સ સોલ્યુસન ઈન્ડિયા દ્વારા ટેકનિકલ અને ફિઝિબિલિટી અંગેનો અભ્યાસ કરાવાયો હતો.

દિલ્હી સ્થિત સિવિલ એવીએશન મંત્રાલયમાં કેન્દ્રીય પ્રધાનો, અધિકારીઓ, ચેમ્બરના પ્રતિનિધિઓ અને એવીએશન સલાહકાર કંપની સાથે ગાંધીધામ ચેમ્બરના અગ્રણીઓ, ડીપીએના અધિકારીઓ, ડી.પી. વર્લ્ડના પ્રતિનિધિઓ અને ઉદ્યોગજગતના હિતધારકોને સાથે રાખીને કંડલા-ગાંધીધામ સંકુલની ભવિષ્યની આવશ્યક્તાઓ અંગે તેમજ પોર્ટ, લોજિસ્ટિક, શિપિંગ, ઉદ્યોગને જરૂરી હવાઈસેવા ઉપલબ્ધ કરાવવા માટે વ્યાપક દૃષ્ટિકોણ રજૂ કરાયો હતો.

કંડલા -મુંદરા બાદ આગામી સમયમાં તુણા ડી.પી. વર્લ્ડ કન્ટેનર પોર્ટ કાર્યરત થશે, ત્યારે કંડલા એરપોર્ટનું મહત્ત્વ વધશે. આ વિકાસથી સમગ્ર કચ્છ એક મજબૂત આર્થિક લોજિસ્ટિક હબ તરીકે વિકસશે, વિસ્તરણ પૂર્ણ થયા બાદ કંડલા અરેપોર્ટ ખાતે સુવિધાઓ મજબૂત બનશે. ભવિષ્યમાં ટર્મિનલ સુધારા, બેઠકો વધારાની સુવિધા,પાર્કિંગ, કાર્ગો, કાર્ગો હેન્ડલિંગ, નાઈટ લેન્ડિંગ જેવી સુવિધાઓના વિકાસની નવી સંભાવનાઓ ઊભી થશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button