કચ્છમાં ‘કોલ્ડ વેવ’: નલિયા 9 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર…

ભુજઃ મકરસંક્રાંતિનું પર્વ નજીક છે ત્યારે રણપ્રદેશ કચ્છમાં હાડથીજાવતી ઠંડી યથાવત રહી છે અને ગત સપ્તાહથી રાજ્યભરમાં અવ્વલ ક્રમે ઠરી રહેલાં અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૯ ડિગ્રી પર સ્થિર થઇ જતાં કચ્છનું શિમલા ઠંડુગાર બન્યું છે.
નલિયામાં શિયાળાએ અસલી મિજાજ દર્શાવાનું શરૂ કરતાં લઘુતમ તાપમાન સિંગલ ડિજિટ પર રહેતાં તીવ્ર ઠારથી જનજીવનને વ્યાપક અસર થવા પામી છે. લોકો ઠેર ઠેર તાપણાં કરતા જોવા મળી રહ્યા છે. દિવસનું ઉષ્ણતામાન પણ આંશિક ઘટીને ૨૭ ડિગ્રી પર રહેતાં ભર બપોરે પણ ટાઢક અનુભવાઇ રહી છે.
ઠંડીના આ મોજાને પગલે સૂર્યાસ્ત થતાં જ બજારોમાં ચહલપહલ ઘટી રહી છે. ગાંધીધામ અને અંજાર સહિતના વિસ્તારોમાં શિયાળો પક્કડ જમાવતો જણાયો હતો. જિલ્લા મથક ભુજમાં દિવસભર દક્ષિણ અને ઉત્તર દિશાએથી વાતા ઠંડાગાર હિમપવનો ફૂંકાઈ રહ્યા છે જેને પગલે જનજીવનને વ્યાપક અસર થવા પામી છે.
ભુજમાં લઘુતમ તાપમાનનો સત્તાવાર આંક ૧૧.૪ ડિગ્રી રહ્યો છે,જયારે લોકોના સ્માર્ટફોનમાંના વેધર એપ્લિકેશનમાં ૧૦ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા કચ્છમાં ઠંડીનું તીવ્ર મોજું ફરી વળશે તેવો વર્તારો વ્યક્ત કરવામાં આવ્યો છે.
કચ્છ પર ફરી વળેલા ઠંડીના મોજાંને કારણે ધોરડો ખાતે રણોત્સવ માણવા આવેલા સહેલાણીઓ ખુલ્લા શ્વેત રણમાં પડી રહેલી કાતિલ ઠંડીના મારથી મુશ્કેલીમાં મુકાઈ ગયા હોવાનું મુંબઈથી પોતાના વતને ફરવા આવેલા એક પર્યટકે જણાવ્યું હતું.
આ પણ વાંચો…ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની શરૂઆત, ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ગાઢ ધુમ્મસ…



