કચ્છમાં જન્માષ્ટમીનો થનગનાટ: ભુજ અને અંજાર સહિત સમગ્ર જિલ્લામાં લોકમેળાનો પ્રારંભ…

ભુજ: કચ્છ જિલ્લામાં બે દિવસના પરંપરાગત જન્માષ્ટમી પર્વની ઉજવણીની રાંધણ છઠ્ઠથી શરૂઆત થઇ હતી. ભુજ શહેરમાં બે દિવસના સાતમ-આઠમના લોકમેળાનો વાદળછાયા વાતાવરણ સાથે આરંભ થયો હતો.
કચ્છમાં આ વર્ષે વરસેલા સચરાચર વરસાદને પગલે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.
ઐતિહાસિક મહાદેવનાકુ, આલમપનાહ ગઢ, ઓલ્ફ્રેડ હાઈસ્કુલ, કચ્છ સંગ્રહાલય જેવી હેરિટેજ ઇમારતો અને હમીરસર તળાવના કિનારે રાજાશાહીના જમાનાથી યોજાઈ રહેલા આ લોકમેળામાં આલમપનાહ ગઢથી શરૂ કરીને છેક ખેંગારપાર્ક અને ઉમેદનગર સુધીના વિસ્તારમાં બંને તરફ ફાળવવામાં આવેલા પ્લોટ પર રમકડાં, અલગ અલગ જોય રાઇડ્સ અને ખાણીપીણીના સ્ટોલ લગાવવામાં આવ્યા હતાં.
અતિભારે વરસાદની આગાહી વચ્ચે આ વખતે ત્રણ દિવસ માટે યોજાઈ રહેલા આ મેળામાં ભુજ ઉપરાંત આસપાસના ગામો જેવાં કે, માધાપર, મીરજાપર, માનકુવા,કુકમા,ધાણેટી,પધ્ધર,લાખોંદના લોકો પણ મેળાના સ્થળે પહોંચી રહ્યા છે.
જન્માષ્ટમીના આ મેળામાં રમકડાં મોંઘા મળતા હોવાની માન્યતાને પગલે લોકોએ શહેરની મુખ્ય બજારોમાં આવેલી રમકડાંની વિવિધ દુકાનોમાંથી અથવા વિવિધ ઓનલાઇન શોપિંગ પોર્ટલ્સ પરથી ખરીદી કરવાનું પસંદ કર્યું હતું.
ભુજ સહીત કચ્છભરની બજારોમાં પણ જન્માષ્ટમીની રોનક જોવા મળી રહી છે. અંજારમાં જેસલ-તોરલની સમાધિ તેમજ અજેપાળ મંદિરની આસપાસના મેદાનમાં પણ સાતમ-આઠમના મેળાનો પ્રારંભ થયો હતો. ભુજ ઉપરાંત મુંદરા, ગાંધીધામ, નલિયા તેમજ રાપર જેવા શહેરોમાં પણ તહેવાર પૂર્વેની રોનક વર્તાઈ રહી હતી.
દરમ્યાન, ભુજના પ્રાચીન કલ્યાણેશ્વર મહાદેવ પરિસરમાં આવેલા અને રાજમાર્ગ તરીકે ઓળખાતા ઉપલીપાળ રોડ પરના શીતળા માતાના મંદિરોએ તેમજ રાપરના પ્રસિદ્ધ શીતળા માતાજીના મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.
આ ઉપરાંત વાગડ વિસ્તારના એકમાત્ર પૌરાણિક કાળના નાગાસર તળાવના કિનારે સ્થિત સદીઓ જુના શીતળા માતાના મંદિર પાસે યોજાયેલા ભાતીગળ મેળામાં જનમેદની ઉમટી પડી હતી.