કચ્છ

કચ્છના ધોળાવીરામાં દેશ-વિદેશના પતંગબાજો જમાવશે આકર્ષણ, વર્લ્ડ હેરિટેજ સાઈટ પર યોજાશે ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ…

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજઃ કચ્છમાં પ્રવાસન પ્રવૃત્તિને પ્રચંડ વેગ મળી રહ્યો છે ત્યારે આ વર્ષે કચ્છમાં ઉજવવામાં આવનારી ‘મકરસંક્રાંતિ’ દુનિયાભરના પર્યટકોનું વિશેષ ધ્યાન કેન્દ્રિત કરનારી બની રહેશે. રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે મકરસંક્રાંતિના ચાર દિવસ પહેલાં જ, આગામી ૧૦મી જાન્યુઆરીએ યુનેસ્કો વિશ્વ હેરિટેજમાં સ્થાન પામેલી પાંચ હજાર વર્ષ જૂની, કચ્છની હડપ્પીયન વસાહતના કેન્દ્ર ધોળાવીરા ખાતે યોજવાનો નિર્ણય કર્યો છે.

જિલ્લા કલેકટર આનંદ પટેલના જણાવ્યા પ્રમાણે ધોળાવીરા ખાતે યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ માટે મોટી સંખ્યામાં પર્યટકો ધોળાવીરામાં આવે ત્યારે તેમને કોઈ તકલીફ ન રહે તે માટે ફૂલ-પ્રૂફ વ્યવસ્થા ગોઠવાઈ રહી છે અને આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૧૮ જેટલા દેશોના ૪૫ પતંગબાજો તેમજ દેશના અન્ય સાત રાજ્યોના બીજા ૨૩ પતંગબાજો મળીને કુલ્લે ૬૮ જેટલા પતંગબાજો, ધોળાવીરા ખાતેની પાંચ હજાર વર્ષથી વધુનો ઇતિહાસ સાચવીને બેઠેલી ભૂમિ પર પોતાનું પતંગ ઉડાડવાનું કૌશલ્ય પ્રદર્શિત કરવાની સાથે સાથે આ હડપ્પીયન વસાહતના આકાશને પતંગોથી ભરી દેશે અને રોમાંચ પણ અનુભવશે.

ભુજ ખાતે આ સંદર્ભે અધિકારીઓની એક ખાસ બેઠક પણ યોજાઈ હતી. જેમાં પતંગબાજો માટેના સ્ટોલ, સ્ટેજ તેમજ પતંગબાજોના સન્માન જેવી વ્યવસ્થાઓ વિશે સૂચનાઓ આપવામાં આવી હતી.

આ ઉપરાંત મહોત્સવ સમયે તબીબી ટુકડી, પ્રાથમિક સારવારના સાધનો, અગ્નિશમન દળ તેમજ મોબાઈલ ટોઇલેટની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button