ભુજ સહિત સમગ્ર કચ્છમાં બપોરે પણ ઠંડા પવનોની કાતિલ લહેર, આગામી દિવસોમાં તાપમાન હજુ ઘટવાની શક્યતા…

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં થઇ રહેલી ભારે બરફ વર્ષાની અસર હેઠળ, સૂકા રણપ્રદેશ કચ્છમાં પણ શિયાળાએ જાણે હવે તેનો રૌફ જમાવ્યો હોય તેમ સમગ્ર જિલ્લામાં કાતિલ ઠંડી પડી રહી છે અને જનજીવન મૂર્છિત બન્યું છે. ભારત-પાકિસ્તાનની સીમા નજીકના કચ્છના અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે આજે લઘુત્તમ તાપમાન 4.8 ડિગ્રી સે. પર પહોંચતાં આ તાલુકામાં ભારે ઠંડી પડી રહી છે. આજે પણ નલિયા રાજ્યનું સૌથી ઠંડુ મથક બનવા પામ્યું છે.
જયારે ભુજમાં આજે લઘુત્તમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો છે. કચ્છમાં આજે મહત્તમ તાપમાન પણ ૨૪ ડિગ્રી સે.પર પહોંચતા દિવસભર લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. અધૂરામાં પૂરું સતત ઉત્તર દિશાએથી વેગીલા વાયરાઓએ ઠંડીની ધાર વધુ તેજ બનાવતાં બપોરે પણ વહેલી સવાર જેવી ઠંડી પડી રહી છે.
ભુજ,નલિયા સહિતના મોટાભાગના સ્થળોએ સમીસાંજથી જ લોકો શેરી રસ્તાઓ પરથી ગાયબ થઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે, કચ્છનું નલિયા આજે પાકિસ્તાનના લાહોર, ગ્રીસના એથેન્સ, ઇઝરાયેલના જેરુસલેમ, નેપાળના કાઠમંડુ અને ન્યૂયોર્કથી પણ વધુ ઠંડુ શહેર બન્યું છે. વિષમ બનતાં જતાં હવામાન વચ્ચે કચ્છમાં રોગચાળો પણ ફેલાયો છે. ખાસ કરીને ગાંધીધામ વિસ્તારમાં ટાઇફોઇડ અને કમળા સહિતના દર્દોના રોગીઓની સંખ્યા 100 ઉપર થવા પામી છે.
ઉલ્લેખનીય છે કે હાલ, ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ શહેરોમાં લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. રાજકોટમાં 10.1 ડિગ્રી, ડીસામાં 11.4 ડિગ્રી અને અમરેલીમાં 11.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેતા પરોઢિયે કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો. અમદાવાદમાં પણ પારો 14.4 ડિગ્રી સુધી ગગડ્યો હતું, જ્યારે ગાંધીનગરમાં 13.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.



