
ભુજ: ગુજરાત સરકારના પર્યટન નિગમના છેલ્લા દોઢ દાયકાના પ્રયાસો રંગ લાવ્યા હોય તેમ કચ્છમાં ભમવા આવતા દેશ-વિદેશના પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આમ પણ કચ્છને તારાજ કરનારા વર્ષ ૨૦૦૧નાં વિનાશક ભૂકંપ બાદ થયેલા નવીનીકરણ અને એક સમયના બંજર અને આજના સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ‘શ્રેષ્ઠ પ્રવાસન ગામ’ તરીકેનો ખિતાબ મેળવનારા ધોરડો ખાતેના સફેદ રણમાં વર્ષ ૨૦૦૫થી તત્કાલીન મુખ્ય પ્રધાન અને હાલના દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં યોજાતા રણોત્સવને અકલ્પનીય સફળતા મળતાં રાજ્ય સરકાર દ્વારા આગામી દોઢેક વર્ષની અંદર ધોરડોમાં ચાર નવી ટેન્ટ સિટીના નિર્માણનો તખ્તો ગોઠવી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે ધોરડોના સરપંચ મિયાંહુશેન ગુલબેગ મુતવાએ જણાવ્યું હતું કે, નવી ટેન્ટ સિટીમાં સંભવત વરસાદી પાણી ભરાશે નહીં, અને પ્રવાસીઓને સંપૂર્ણ સ્વાયતત્તા મળશે. ધોરડો ટેન્ટ સિટીમાં એક દિવસનું રોકાણ એક પરિવારને ૨૦ હજારથી વધુનો ખર્ચ કરાવે છે પરંતુ નવી ટેન્ટ સિટીનો વિકલ્પ ઉભો થતાં આસમાનને આંબતા ભાવ કાબુમાં આવશે અને સુવિધાઓ પણ સારી મળશે તેમ મિયાહુશેન મુતવાએ ઉમેર્યું હતું.
દરમ્યાન, ધોરડોમાં હાલ જ્યાં પ્રવાસન તંત્ર નિર્મિત અને લલ્લુજી એન્ડ સન્સ સંચાલિત ટેન્ટ સિટી છે તેની પાછળ હાજીપીર-ખાવડા ધોરીમાર્ગને અડકીને કુલ ૭.૮૦ લાખ ચો.મી. જમીન પર નવી તંબુ નગરીના નિર્માણ અગાઉ માળખાગત સુવિધાઓ રાજ્ય સરકાર વિકસાવી રહી છે. એક ટેન્ટ સિટીમા ૪૦૦ ટેન્ટ બનાવાશે અને બાકી જગ્યા પર અન્ય સુવિધાઓ અપાશે.
૧૬૦૦ નવા ટેન્ટ બનાવવાનું આયોજન હોવાનું જાણવા મળી રહ્યું છે.આ ચાર ટેન્ટ સિટીના રસ્તા-ફૂટપાથ, પાર્કિંગ અને પાણીના જોડાણની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે, લોખંડ-સિમેન્ટ વડે જમીનને થોડી ઉંચી લેવાઇ છે. હવે ટેન્ડરમાં જે કંપની આવશે તે પોતાના ટેન્ટ લગાવશે.સરકાર પણ વધુને વધુ કમાણીના ઉદ્દેશથી હવે એકી સાથે ચાર ટેન્ટ સિટી ઉભી કરી રહી છે.



