કચ્છના નાના રણમાં દિલધડક રેસ્કયૂઃ પોલીસની જીપ પણ ફસાઈ કાદવમાં, આ રીતે બચાવ્યા 12 લોકોને...
કચ્છ

કચ્છના નાના રણમાં દિલધડક રેસ્કયૂઃ પોલીસની જીપ પણ ફસાઈ કાદવમાં, આ રીતે બચાવ્યા 12 લોકોને…

અમદાવાદઃ ગુજરાતમાં હાલ ચોમાસાએ જમાવટ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીથી કચ્છના નાના રણમાં આવેલા વાછરાદાદાના મંદિરે દર્શન કરવા ગયેલા 9 યુવકો અને તેમને મદદ કરવા ગયેલા 3 પરિવારજનો મળીને કુલ 12 લોકો રણમાં ફસાયા હતા. ભારે વરસાદ અને કાદવના કારણે તેમની હાલત કફોડી બની હતી.

શું હતી ઘટના
મળતી વિગત પ્રમાણે, 16 ઓગસ્ટે બપોરે બે વાગ્યે પાટડીના 9 મિત્રો ચાર બાઈક લઈને ખારાઘોડા થઈને કચ્છના નાના રણમાં આવેલા વાછરાડાડાના મંદિરે જવા નીકળ્યા હતા. રણની અંદર મંદિર માત્ર 10 કિલોમીટર દૂર હતું ત્યારે જ મુશળધાર વરસાદ શરૂ થયો હતો. બાઈક કાદવમાં ફસાઈ ગયું હતું અને યુવકો રસ્તો ભૂલી ગયા હતા.

પોલીસની જીપ પણ કાદવમાં ફસાઈ
જે બાદ એક યુવકે પોતાના પિતાને ફોન કરીને મદદ માંગી હતી. પિતા અને અન્ય બે લોકો પાણી અને ખાવાની વસ્તુઓ લઈને પગપાળા તેમની મદદ માટે પહોંચ્યા હતા. પરંતુ તેઓ પણ રણમાં ફસાઈ ગયા હતા.

12 લોકો ફસાયા હોવાની જાણ પાટડી પોલીસને થતાં તેઓ થાર જીપ લઈને બચાવ માટે નીકળ્યા હતા. પરંતુ રણમાં કાદવ હોવાથી તેમની જીપ પણ ફસાઈ ગઈ હતી. આખરે પોલીસે ટ્રેક્ટર અને સ્થાનિક રણ-ભોમિયાની મદદથી ફસાયેલા લોકોને શોધી કાઢ્યા હતા.

પોલીસે ટ્રેક્ટરની મદદથી ફસાયેલા 12 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. થાકેલા અને ભૂખ્યા યુવાનોને લગભગ 15 કલાક બાદ પીવાનું પાણી મળ્યું હતું. આ ઘટના બાદ પોલીસ અને વહીવટી તંત્રની ઝડપી કામગીરીની લોકોએ પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો…કચ્છના સાગર કિનારે કન્ટેનરોની ભરતી યથાવત! ફરી ત્રણ મહાકાય કન્ટેનર ટેન્ક તણાઈ આવ્યાં

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button