જાણો કચ્છમાં કોણ બનાવી રહ્યું છે સિંગાપોર કરતા પણ વિશાળ સૉલાર પાર્ક…

ભુજ: દેશની અગ્રણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ ધીરુભાઈ અંબાણીએ ગુજરાતના સરહદી કચ્છમાં ૫,૫૦,૦૦૦ એકર જેટલી વિશાળ જગ્યા પર વિશ્વના સૌથી મોટા સિંગલ-સાઇટ સોલાર પ્રકલ્પને સાકાર કરવાની જાહેરાત કરી છે.
સિંગાપોર દેશના કદ કરતા ત્રણ ગણો મોટો આ પ્રકલ્પ દરરોજ ૫૫ મેગાવોટ સોલાર મોડ્યુલ અને ૧૫૦ મેગાવોટ કલાક બેટરી કન્ટેનર ઇન્સ્ટોલ કરશે, જે તેને વૈશ્વિક સ્તરે સૌથી ઝડપી ઇન્સ્ટોલ કરેલા પ્રકલ્પોમાંનો એક બનાવશે. ભારતની જરૂરિયાતોમાં તેનો હિસ્સો લગભગ ૧૦ ટકા હશે.

રિલાયન્સના ચેરમેન મુકેશભાઈ અંબાણીએ તાજેતરમાં કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં (AGM) માં શેરધારકોને જણાવ્યું હતું કે, આ પ્રકલ્પ આગામી દાયકામાં ભારતની વીજળીની લગભગ ૧૦ ટકા જરૂરિયાતો પૂરી કરી શકે છે. આ પ્રકલ્પ જામનગર અને કચ્છના કંડલામાં રિલાયન્સના દરિયાઈ અને જમીન માળખા સાથે જોડાયેલો હશે.
જેનાથી મોટા પાયે સૌર અને હાઇડ્રોજન એકીકરણ શક્ય બનશે. રિલાયન્સ હવે ‘ગ્રીન એમોનિયા’ગ્રીન મિથેનોલ’અને ટકાઉ ઉડ્ડયન ઈંધણ જેવા પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો બનાવશે અને તેને અન્ય દેશોને વેચશે. તેનો ઉદ્દેશ્ય ભારતને વિશ્વનું એક મુખ્ય અને સસ્તું કેન્દ્ર બનાવવાનો છે જ્યાં ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન થાય છે.
શરૂઆતમાં કંપની આ ઉત્પાદનોનો ઉપયોગ પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે કરશે. પરંતુ આગામી વર્ષ ૨૦૩૨ સુધીમાં ગ્રીન હાઇડ્રોજનની ઉત્પાદન ક્ષમતા વધારીને વાર્ષિક ૩ મિલિયન ટન કરવામાં આવશે તેમ મુકેશભાઈએ ઉમેર્યું હતું.
આ પણ વાંચો…RIL AGM 2025: મુકેશ અંબાણીની જાહેરાતથી લોકો ખુશખુશાલ, જીયોનો આઈપીઓ આવશે…