કચ્છમાં અષાઢી મેઘાની ઝમકદાર બેટિંગઃ ચોમેર વરસાદ...
કચ્છટોપ ન્યૂઝ

કચ્છમાં અષાઢી મેઘાની ઝમકદાર બેટિંગઃ ચોમેર વરસાદ…

ભુજ: બંગાળની ખાડીમાં સર્જાયેલા હળવા દબાણને પગલે હાલ ગુજરાત પર મોન્સૂન ટ્રફની એક સાથે ચાર-ચાર સિસ્ટમ સક્રિય થતાં મોટાભાગના મથકોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસવો શરૂ થયો છે.

મેઘતૃષ્ણાનાં મુલક એવા રણપ્રદેશ કચ્છમાં જન્માષ્ટમીના સાંજના ચાર વાગ્યા બાદ મોટાભાગના મથકોમાં પાવરપેક્ડ વરસાદી ઝાપટાં વરસતાં કચ્છીઓમાં હર્ષની લાગણી પ્રસરી છે.

ભુજ અને તેની આસપાસના વિસ્તારોમાં જાણે રાત વહેલી પડી ગઈ હોય તેવા સર્જાયેલા અંધારિયા માહોલ વચ્ચે વીજળીના તેજ લિસોટા અને ડરામણી મેઘગર્જનાઓ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. અચાનક સર્જાયેલા મેઘાવી માહોલના પગલે ભુજના હમીરસર તળાવના કાંઠે ભરાયેલા ભાતીગળ મેળામાં ખલેલ પહોંચી હતી.

જો કે સાંજના છ વાગ્યા બાદ વરસાદ વરસવો લગભગ બંધ થઇ જતાં મેળાની રંગત જામી હતી. ભુજ ઉપરાંત અંજાર, આદિપુર, ગાંધીધામ, બંદરીય શહેરો મુંદરા અને માંડવી, સીમાવર્તી રાપર,લખપત, ખાવડા સહિતના મથકોએ અંદાજે પોણાથી બે ઇંચ જેટલો મીની વાવાઝોડાં સાથે વરસાદ નોંધાયો છે.

દરમ્યાન, અચાનક ત્રાટકેલા તોફાની વરસાદ વચ્ચે ભુજની શિવ આરાધના સોસાયટીમાં આવેલાં એક રહેણાંક મકાનની છત પર, જયારે ભુજ તાલુકાના વડઝર ગામમાં મસ્જિદના ગુંબજ પર વીજળી ત્રાટકતાં સામાન્ય નુકશાની પહોંચી હતી, જો કે સદ્ભાગ્યે જાનહાની ટળી છે.

તહેવારના સપરમા દિવસે વરસેલા વરસાદને પગલે શહેરોની મુખ્ય બજારો, અને અન્ય સંખ્યાબંધ વિસ્તારોમાં જળભરાવની સમસ્યા ઉભી થવા પામી છે. ઉલ્લેખનીય છે કે, હવામાન ખાતાંએ આગામી સપ્તાહ દરમ્યાન સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચો…કચ્છમાં જન્માષ્ટમીની રંગત: ભુજના લોકમેળામાં ત્રણ લાખથી વધુ લોકો ઉમટ્યા

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button