
અમદાવાદ : ગુજરાતના કચ્છમાં ફરી એક વાર ધરા ધ્રુજી છે. જેમાં મળતી માહિતી મુજબ રાત્રે 9. 47 કલાકે ભૂકંપનો આંચકો નોંધાયો છે. કચ્છમાં ખાવડા નજીક 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ખાવડા થી 20 કિલો મીટર દૂર નોંધાયું છે.
ખાવડા નજીક 4ની તીવ્રતાનો ભૂકંપ
ધરતીકંપ માટે અંત્યંત સંવેદનશીલ કચ્છ જિલ્લામાં ટૂંકા અંતરાલ બાદ રવિવારની રાત્રે રિક્ટર સ્કેલ પર 4. 0ની તીવ્રતાવાળા ભૂકંપના આંચકાએ કચ્છની ધરાને ધ્રુજાવી હતી. વરસાદી માહોલ વચ્ચે કચ્છમાં વધી ગયેલી સીસ્મિક એક્ટિવિટીને પગલે ગભરાટ ફેલાયો છે. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, રવિવારની રાત્રે 9.47 મિનિટે ઉદભવેલા આ શક્તિશાળી ભૂકંપનું કેન્દ્રબિંદુ સીમાવર્તી ખાવડાથી 20 કિલોમીટર દૂર નોંધાયું હતું.
લોકોએ મકાનોની બહાર દોટ લગાવી
આ ભૂકંપના લીધે મકાનોના બારી-બારણાં,અભેરાઈ પર ચડાવેલાં વાસણો ખખડી ઉઠયા હતા કાચા-પાકા મકાનોમાં લાગેલા સીલિંગ ફેન હાલક-ડોલક થતા નજરે પડતાં નિંદ્રાધીન લોકોએ મકાનોની બહાર દોટ લગાવી હતી.
કેન્દ્રબિંદુ વાગડ ફોલ્ટલાઇનની આસપાસ
ઉલ્લેખનીય છે કે, કચ્છની ધરાને સતત ધ્રુજાવી રહેલા ભૂકંપના આંચકાઓના કેન્દ્રબિંદુ વાગડ ફોલ્ટલાઇનની આસપાસના જ રહ્યા છે . જેમાં ભચાઉ, ફતેહગઢ,રાપર,કરમરીયા અને પ્રાચીન નગર ધોળાવીરાનો, ઉપરાંત સૌરાષ્ટ્રના ઉના અને ઉપલેટાનો પણ સમાવેશ થાય છે.
સંખ્યાબંધ આંચકાઓ સમયાંતરે નોંધાતા રહે છે
પાકિસ્તાનના કરાચી તેમજ સિંધ પ્રાંત આસપાસના વિસ્તારોમાં પણ આ આંચકો અનુભવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. 3 થી 3.7 સુધીની તીવ્રતાના સંખ્યાબંધ આંચકાઓ સમયાંતરે નોંધાતા રહે છે. કચ્છના અશાંત પેટાળમાં ઉદભવેલા 4 ની તીવ્રતાના આંચકાએ આ ભાતીગળ પ્રદેશના લોકોને ફફડતા કરી દીધા છે.