કચ્છટોપ ન્યૂઝ

Kutch માં ફરી ધરા ધ્રુજી, રાપરમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

અમદાવાદ: ગુજરાતના કચ્છમાં(Kutch)ગત મોડી રાત્રે કરી એક વાર ધરા ધ્રુજી હતી. જેમાં મળતી માહિતી મુજબ કચ્છના રાપરમાં મોડી રાત્રે 2:46 કલાકે આવ્યો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેમાં રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.1 નોંધાઈ હતી. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપર નજીક નોંધાયું હતું. જોકે, તેમાં જાનમાલના નુકશાનના કોઇ અહેવાલ નથી.

3 ફેબ્રુઆરીએ ભચાઉ નજીક ભૂકંપનો આંચકો નોંધાયો

કચ્છમાં આ પૂર્વે 3 ફેબ્રુઆરીના રોજ ભચાઉ નજીક ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જેમાં રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.7 નોંધાઈ હતી. ભૂકંપનો આંચકો સાંજે 5:05 કલાકે આવ્યો હતો. જેનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 15 કીમી દૂર નોંધાયું હતું.

આ પણ વાંચો : સાવધાનઃ ગુજરાતના કચ્છમાં પહોંચી ગયો જીબીએસ વાયરસઃ પહેલો કેસ નોંધાયો

જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ભૂકંપના અનેક આંચકાઓ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ખાસ કરીને કર્કવૃત જ્યાંથી પસાર થાય છે એવા કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભૂગર્ભીય હિલચાલ ચિંતાજનક રીતે વધી રહી છે. રાપર, ભચાઉ અને પુરાતન નગરી ધોળાવીરા સહિતના વિસ્તારોને સમાવતી વાગડ ફોલ્ટલાઇન વધુ પડતી સક્રિય થઇ છે અને જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ભૂકંપના નાના અનેક આંચકાઓ નોંધાઈ ચુક્યા છે. કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, તલાલા, જામનગર અને ઉના, તેમજ ઉત્તર ગુજરાતના પાલનપુર વિસ્તારમાં પણ ભેદી ધડાકા સાથે ભૂકંપના આંચકાઓ સમયાંતરે આવી રહ્યા છે જે એક ચિંતાનો વિષય બની ચૂક્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button