ગાંધીધામના રહેણાંક વિસ્તારમાંથી ગાંજા સાથે બે શખ્સ ઝડપાયા

ભુજઃ સરહદી જિલ્લા કચ્છમાં માદક પદાર્થોનું સેવન અને વેંચાણ છેલ્લા એક દાયકામાં ચિંતાજનક રીતે વધવા પામ્યું છે ત્યારે પૂર્વ કચ્છના પંચરંગી ગાંધીધામ શહેરના કાર્ગો વિસ્તારમાં બી-ડિવિઝન પોલીસે દરોડો પાડીને રૂા.૩૮,૮૪૦ના મૂલ્યના ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.
ગાંધીધામના કાર્ગો પી.એસ.એલ. આંબેડકર નગર ગલી નં.૩માં રહેનારો આરોપી મોહમદ સલીમ આઝાદ શાહ (મુસ્લીમ) પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ રાખતો હોવાની પૂર્વબાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. આ સ્થળે છાનબીન દરમ્યાન ઘરમાંથી ૩.૮૮૪ કિલો ગ્રામ માદક પદાર્થનો ૩૮,૮૮૪ રૂપિયાનો જથ્થો હસ્તગત કરી બે મોબાઈલ ફોન કીંમત રૂા.૫૦,૫૦૦, ડિજિટલ વજન કાંટો કીંમત રૂા.૫૦૦ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો.
આ કાર્યવાહીમાં આરોપી મહંમદ સલીમ તથા અન્ય આરોપી ફિરોજ દાઉદ માણેક(રહે.કાર્ગો પી.એસ.એલ. ઝુંપડા, ગલી નં.3,મૂળ માળીયા મિયાણા,તા.મોરબી)ની ધરપકડ થઈ હતી. આરોપી ફિરોઝ નશીલા પદાર્થના વેપારમાં ભાગીદાર હોવાનુ પોલીસે ઉમેર્યું હતું.