ગાંધીધામમાં પિસ્ટલ સાથે યુવક પકડાતા ચકચાર: આવકવેરા કચેરી પાસે શું હતો મનસૂબો? પોલીસ તપાસ શરૂ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીધામઃ પાડોશી દેશ બાંગ્લાદેશમાં વણસેલી પરિસ્થિતિ, પાકિસ્તાન સાથે ચાલી રહેલા કોલ્ડવોર અને આગામી પ્રજાસતાક પર્વને અનુલક્ષીને ભારતની વિવિધ સુરક્ષા એજન્સીઓ અત્યારે હાઈ એલર્ટ પર છે. નાપાક દેશને અડીને આવેલા સીમાવર્તી જિલ્લા કચ્છમાંથી મારક હથિયારો પકડાવવાનો વણથંભ્યો સિલસિલો યથાવત રહેતો હોય તેમ ગાંધીધામમાં આવકવેરા કચેરી નજીકના માર્ગ પરથી પગપાળા જતા એક શખ્સને સ્થાનિક પોલીસે પકડી પાડી તેની પાસેથી એક સિંગલ બેરલ પિસ્ટલ તથા બે જીવંત કાર્ટિસ જપ્ત કર્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, એક યુવક શહેરમાં લોડેડ પિસ્ટલ સાથે ફરતો હોવાની મળેલી પૂર્વ બાતમીના આધારે હરકતમાં આવેલી પોલીસે આવકવેરા કચેરી નજીક પગપાળા જઈ રહેલા, ખારીરોહરના મુસ્તાક જુસબ કટિયા નામના યુવકને અટકમાં લઇ, તલાશી લેવાતાં રૂ.૧૦,૨૦૦ની પરવાના વિનાની પિસ્ટલ તથા બે જીવંત કાર્ટિસ મળ્યા હતા.
તેણે આ પિસ્ટલ મોરબીના ઝિંઝુડા ગામના ઈશાક જામ નામના શખ્સ પાસેથી વેચાતું લીધું હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું. પોલીસે તે હથિયારનો ઉપયોગ ક્યાં કરવાનો હતો, તેનો શું ઈરાદો હતો તેની તપાસ હાથ ધરી હતી.
આપણ વાંચો: મુન્દ્રામાં દુષ્કર્મ: શ્રમિક પરિવારની છ વર્ષની માસૂમ બાળકીને નરાધમે પીંખી



