ગાંધીધામ

કચ્છના ગાંધીધામમાં કરિયાણાની દુકાનમાંથી પ્રતિબંધિત વિદેશી સિગારેટ-હુક્કાનો જથ્થો જપ્ત

ગાંધીધામ: કચ્છના બંદરો વાટે દેશમાં વિવિધ પ્રકારના ડ્રગ્સ, પ્રતિબંધિત ચાઈનીઝ ઈ-સિગરેટ, વિદેશી સિગરેટના જથ્થાને મોટા પ્રમાણમાં ઘુસાડવામાં આવી રહી હોવાના સેંકડો બનાવો બહાર આવી ચુક્યા છે. ત્યારે ગાંધીધામ શહેરના હીરાલાલ પારેખ સર્કલ ખાતેના ઓમ સિનેમા નીચે આવેલી કરિયાણાની એક દુકાનમાંથી પોલીસે રૂપિયા 26, 200 ના પ્રતિબંધિત હુક્કા,વિદેશી સિગારેટ, વેપ સાથે દુકાનદારની ધરપકડ કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, ઓમ સિનેમાની નીચે પદમા ફેમિલી માર્ટ નામની કરિયાણાની દુકાનમાં પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ થઇ રહ્યું હતું.

અમદાવાદના ગુરુકુળના વેપારીએ જથ્થો મંગાવ્યો હતો

આ અંગે મળેલી પૂર્વ બાતમીના આધારે ગત સાંજના અરસામાં સ્થાનિક પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. અહીં તપાસ દરમ્યાન એસે ગોલ્ડન લીફ સિગારેટના 22 પેકેટ, એસે લાઇટ્સ કોરીઆના 16, એસે ચેન્જ કોરીઆ બ્રાન્ડના 15 તેમજ તુર્કીનું ડનહીલ સ્વીચનું એક પેકેટ, યાઉટો યાનોસી મિલ્ક કોફીના વેપોરોઇઝર (ચાઈનીઝ ઇ-સિગારેટ)ના બે બોક્સ, યાઉટો થાનોસ વોટરમેલન આઇસના વેપના બે બોક્સ, અલ ફખરનું એક તથા માય હુક્કાસ લખેલા આઠ હુક્કા કિંમત રૂપિયા 26, 200 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ગુરુકુળ વિસ્તારમાંના સિંધુબાગ ખાતે રહેનાર દીપેશ ઘનશ્યામ ગીધવાણી નામના આ દુકાનદારે મુંબઇથી અસલમ નામના શખ્સ પાસેથી કુરિયર મારફતે આ જથ્થો મંગાવ્યો હોવાનું પોલીસને પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું.

ડીઆરઆઈએ પણ અનેકવાર ચાઈનીઝ ઈ-સિગરેટનો જથ્થો જપ્ત કર્યો

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પૂર્વ કચ્છના મુક્ત વ્યાપાર કેન્દ્રમાંથી ડીઆરઆઈએ અનેક વખત કરોડો રૂપિયાની ચાઈનીઝ ઈ-સિગરેટનો જથ્થો બરામદ કર્યો હતો. ઈ સિગારેટની ન માત્ર આયાત, પરંતુ તેનો સંગ્રહ, મેન્યુફેક્ચરીંગ, ટ્રાન્સપોર્ટેશનને લગતી તમામ બાબતો પર ભારત સરકારે પ્રતિબંધ લાદ્યો છે તેમ છતાં દેશમાં અલગ અલગ બંદરો પર બોગસ એડ્રેસ કે આયાતકાર પેઢીના નામે ચીનથી આવી સિગરેટનો જથ્થો મંગાવાઈ રહ્યો છે. ઇ-સિગરેટનું દુષણ મોટા શહેરો ઉપરાંત કચ્છ જેવા સરહદી જિલ્લામાં પણ વ્યાપક બની રહ્યું છે. થોડા વર્ષ અગાઉ ગાંધીધામની એક પ્રખ્યાત શાળામાં અભ્યાસ કરતા કેટલાક પૈસાદાર છાત્રોના દફતરમાંથી ઈ-સિગારેટ મળી આવી હતી.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button